દાહોદનું ‘મોડેલ’ રેલવે સ્ટેશન વિકાસ ઝંખે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-1.20 કરોડની આવક ધરાવતાં સ્ટેશનને મોડેલ સ્ટેશનની ગણતરીમાં લેવાયું પરંતુ સુવિધાઓ જ નહીં
- અપ-ડાઉનમાં દરરોજ 68 ટ્રેનોનું સ્ટોપેજ રાખેલ છે

દાહોદ: દાહોદ શહેરના રેલવે સ્ટેશને દરરોજ અપ અને ડાઉનમાં રોકાતી 68 ટ્રેનોમાં મુસાફરી કરતી પ્રજાને કારણે રેલવેને મહિને અંદાજે 1.20 કરોડ રૂપિયાની આવક થઇ રહી છે. પરંતુ મોડેલ રેલવે સ્ટેશનની ગણનામાં આવતાં દાહોદના રેલવે સ્ટેશનને ખરેખર મોડેલ રેલવે સ્ટેશનનું બિરૂદ આપી શકે તેવી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું દાહોદ શહેરમાં રેલવેની સમૃદ્ધિ ઉડીને આંખે વળગે તેવી છે. દાહોદ શહેરના રેલવે સ્ટેશને 24 કલાકમાં અપ અને ડાઉનમાં લોકલ અને એક્સપ્રેસ મળીને 68 ટ્રેનોનું રોકાણ થાય છે. આ ટ્રેનો પૈકી પાંચ ટ્રેનો તો એવી છે જે દાહોદથી જ ઉપડે છે. તેના કારણે જ દાહોદના રેલવે સ્ટેશને મુસાફર ભાડા પેટે દૈનિક અંદાજે ચાર લાખ રૂપિયાની આવક થાય છે.

એટલે કે એક મહિનામાં અંદાજે 1.20 કરોડ રૂપિયાની આવક થઇ રહી છે. તે છતાય નાની સુવિધાઓને બાદ કરતાં અહીં ખરેખર દાહોદનું રેલવે સ્ટેશન મોડેલ રેલવે સ્ટેશન મનાય તેવી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં મુસાફરોને પ્રવેશવા માટે માત્ર એક જ ગેટ છે. ગોદીરોડ તરફ બીજો ગેટ નહીં હોવાથી તેમજ પુલનું પણ પ્લેટફોર્મ સાથે જોડાણ નહીં હોવાથી પ્રજા હાલાકી ભોગવી રહી છે. અહીં વોટર હાઇડ્રન્ટ સીસ્ટમનો પણ અભાવ છે. આ હાઇડ્રન્ટ સીસ્ટમનો ખર્ચ 85 લાખ રૂપિયા છે પરંતુ તે જો કાર્યરત કરવામાં આવે તો ટ્રેનોમાં પાણી ભરવાની સુવિધાને કારણે મેમુ ટ્રેન પેસેન્જર્સ ટ્રેનમાં કનવર્ટ થઇ શકે તેમ છે સાથે મુસાફરીનો સમય પણ ઘટે તેમ છે.

આ ઉપરાંત દાહોદથી ઓખાની સીધી ટ્રેનની સુવિધા પણ મળી શકે છે. શહેરમાં માત્ર ત્રણ જ પ્લેટફોર્મ છે ત્યારે ગાડીઓના સ્ટોપેજ અને મુસાફરોના ધસારાને જોતા એક પ્લેટફોર્મ વધારવાની તાતી જરૂરિયાત વર્તાઇ રહી છે. ક્યારેક ટ્રેન મોડી પડવાના કિસ્સામાં અંત સમયે ટ્રેનનું પ્લેટફોર્મ બદલવાના કિસ્સામાં મુસાફરોને આપદા વેઠવી પડે છે. અહીંથી ઇન્દૌરની રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું તે પૂર્ણ થશે ત્યારે પ્લેટફોર્મના અભાવે વધુ તકલીફ ભોગવવી પડે તેમ જોવાઇ રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા જો આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન અપાય તો ખરેખર દાહોદનું રેલવે સ્ટેશન મોડેલ રેલવે સ્ટેશન બની રહે તેમ છે. અને જો તેમ થાય અને મુસાફરોને પણ જરૂરી સુવિધાઓ મળતી થાય તો મુસાફરોને રાહત થઇ શકે તેમ છે. તંત્ર દ્વારા આ બાબતે ખચાર્યેલા નાણાંનું યોગ્ય વળતર મળે તે જરૂરી છે. એટલે જ તંત્ર જરૂરી સુવિધાઓને પ્રાધાન્ય આપ તે જરૂરી છે.
ટીકિટ ચેકર અને માર્ગદર્શકનો અભાવ

દાહોદનું રેલવે સ્ટેશન આખો દિવસ મુસાફરોથી ભરચક રહે છે. ત્યારે અહીં ત્રણ ટીકિટ ચેકર સામે માત્ર એક જ ટીકિટ ચેકરનું પદ ભરેલું છે. બે ટીકિટ ચેકરના અભાવને કારણે અહીં ક્યારેય ગેટ ઉપર ટીકિટનું ચેકિંગ થતું નથી. આ સાથે પુછપરછ બારી ઉપર પણ લોકોને માર્ગદર્શન આપવા માટે પણ કોઇ નથી. આ પોસ્ટ પણ અત્યારે ખાલી પડી હોવાનું રેલવે ‌વિભાગમાંથી જાણવા મળ્યું છે.