- ટ્રાફિકની મોટી સમસ્યાનું નિવારણ ના તો પોલીસ કે ના તો પાલિકા કરે છે
- ટ્રાફિકની સમસ્યા નિવારવા લોકોની ઉગ્ર માગ
દાહોદ શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. આ મસ મોટી સમસ્યાનું નિદાન ના તો પોલીસ કે ના તો પાલિકા દ્વારા થતું જ નથી. આ બાબતથી શહેરના એમજીરોડના રોષે ભરાયેલા વેપારીઓએ પોલીસને રજૂઆત કરી અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માંગ કરી છે.
દાહોદના એમજીરોડ પર લારી તેમજ રીક્ષાના કારણે પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. આ માર્ગ આમ પણ સાંકડો અને તેનામાં વિવિધ ચીજવસ્તુઓ વેચતી હાથલારીઓ વાળા આખો દિવસ અડિંગો જમાવી ઉભા રહે છે. સાથે રિક્ષાવાળાઓ પણ આ રસ્તે ઉભા રહે છે. તેમજ આ લોકોને ખસવાનુ કહેવા જતાં ભારે દાદાગીરી કરે છે તેમજ અસંખ્ય વખત ઝઘડા થાય છે. આ બાબતથી શહેરના એમજીરોડના રોષે ભરાયેલા વેપારીઓ ગુરુવારે પોલીસ મથકે પહોચ્યા હતા. તેમજ તેમણે પીએસઆઇને આવેદન આપી જણાવ્યું હતું કે હાથલારી અને રિક્ષાવાળાઓથી ભારે પરેશાન થઇ રહ્યા છે. તેમજ કેટલીંય વખત ઝઘડા સર્જાય છે.
વધુમાં આવેદનમાં જણાવ્યું છે કે એમજીરોડ પર પોલીસ જેવું કાંઇ દેખાતું નથી અને પરિસ્થિતિ એવી છે કે વેપારીઓને કાયદો હાથમાં લેવો પડે તેમ છે. આ બાબતે કાર્યવાહી કરી એમજીરોડ પરથી હાથલારી તેમજ રીક્ષાવાળાઓને હટાવવા માંગ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે આ સમસ્યા માત્ર એમજીરોડની જ નહી આખા શહેરની છે. અહીં ટ્રાફિક પોલીસ તો વિવિધ ઠેકાણે જોવા મળે છે પરંતુ જ્યાં ઉભા હોય છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સૂલઝાવતા ન હોવાનું જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.