મુખ્યમંત્રીની ત્રણ દિવસની જાહેરાત છતાં પશુમેળો ૩ કલાક પણ ન ચાલ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડામાં મેદની જોઇ ઉત્સાહમાં આવેલા મુખ્યમત્રીએ જાહેરાત કરી પણ તંત્રે પાણી ફેરવી દીધું
લીમખેડા મુકામે કૃષિ મહોત્સવ ૨૦૧૩ મેગા ઇવેન્ટ કાર્યક્રમ ગુજરાતનાં મુખ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને સોમવારે યોજાયો હતો. જેમાં કૃષિ પ્રદર્શન અને મેગા પશુઆરોગ્ય મેળાનું ધમાકેદાર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીએ લીમખેડા આગમન કર્યા બાદ કાર્યક્રમની સુવ્યવસ્થા અને કાર્યક્રમમાં ઉપસ્થિત હકડેઠ્ઠઠ ભીડના દ્રશ્યો જોઇ ઉત્સાહીત થઇ પશુ આરોગ્ય મેળો ૧ દિવસના બદલે ત્રણ દિવસ સુધી ચલાવવાની જાહેરાત કરી હતી. પરંતુ મુખ્ય મંત્રી બપોરે ૧ર કલાકે તેમનો નિર્ધારિત કાર્યક્રમ પતાવી ગાંધીનગર પહોંચે તે પહેલાં જ ૩ દિવસનો પશુ આરોગ્ય મેળો ગણતરીનાં કલાકોમાં સમેટાઇ ગયો હતો.
દીવા તળે અંધારૂ જ હોય છે. આ કહેવતને સાર્થક કરતો બનાવ લીમખેડાના કૃષિ મહોત્સવ ૨૦૧૩ કાર્યક્રમ દરમિયાન સાબિત થયો હતો. લીમખેડા મુકામે કૃષિ મહોત્સવ ૨૦૧૩ અંતર્ગત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને દાહોદ જિલ્લા સહિ‌ત પાંચ જિલ્લાઓનો મેગા ઇવેન્ટ કાર્યક્રમ ૨૭મી મે સોમવારના રોજ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષ સ્થાને તથા મંત્રી મંડળના સભ્યો સહિ‌ત અનેક રાજકિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મેળો, કૃષિ પ્રદર્શન તથા પશુઆરોગ્ય મેળાની ઝાક ઝમાળ તેમજ કાર્યક્રમમાં યોજાયેલી જાહેર સભામાં ઉપસ્થિત જનમેદની જોઇ ઉત્સાહીત થયેલા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં જણાવ્યું હતું કે જીવદયાના સંસ્કારને વરેલી આ ધરતીની સરકારે પશુઓને પીડામાંથી મુકત કરવા લેસર પદ્ધતિથી સારવાર આપવાની પદ્ધતિ પશુઆરોગ્ય મેળાએ વિકસાવી છે. માટે હવે એક દિવસ ચાલનારો પશુ આરોગ્ય મેળો હવે પશુઓની સારવાર માટે ત્રણ દિવસ સુધી ચાલશે.
પરંતુ મુખ્ય મંત્રી લીમખેડાનો કાર્યક્રમ બપોરે ૧ર કલાકે પૂર્ણ કરી હવાઇ માર્ગે ગાંધીનગર જવા નીકળ્યા હતા અને હજુ તો ગાંધીનગર પહોંચે તે પહેલા જ મેગા પશુ આરોગ્ય મેળો સમેટાવાનું ચાલુ થઇ ગયું હતું. ઢળતી બપોરે તો ત્રણ દિવસની જાહેરાત થયેલા પશુ આરોગ્ય મેળાના તંબૂ ઉખડી ગયા હતા. પશુ આરોગ્ય મેળાનું સ્થળ સૂમસામ ભાસવા લાગ્યું હતું. મુખ્ય મંત્રીની જાહેરાતથી પ્રભાવિત થયેલા પશુપાલકો પોતાના પશુધનની સારવાર માટે જો મેળા સ્થળે જાય તો ત્યાં સારવાર કરનાર કે તેમની પીડા સમજવા વાળું કોણ તે એક પ્રશ્નાર્થ બન્યો છે.
જેટલાં પશુઓ હતાં તેમની સારવાર કરવામાં આવી
જ્યા સુધી પશુઓના ઓપરેશન ન થાય ત્યા સુધી મેળો ચાલશે. ગઇ કાલ અને આજે જેટલા પશુઓ આવ્યા હતા તેમની સારવાર કરવામાં આવી છે. જો સારવાર લંબાય તો આવતી કાલે પણ તેમની સારવાર કરાશે.
ડી.એ સત્યા,દાહોદ કલેક્ટર