૧૧ વર્ષના બાળકને સાપ કરડ્યો, સારવાર નહી મળતાં થયું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૧ વર્ષના બાળકને સાપ કરડતાં સરકારી દવાખાને દોડી આવ્યા પણ
- તબીબોની નિષ્કાળજીએ એક માસૂમનો ભોગ લેતા ફિટકારની લાગણી


દાહોદના સિવિલ હોસ્પીટલમાં ઘણી વાર દર્દી‍ઓએ હાલાકીનો સામનો કરવો પડે છે. તેમાંયે મંગળવારના રોજ સર્પ દંશ દીધેલા એક બાળકને આ દવાખાને કોઇ તબીબ હાજર ન હોવાથી તેને ના છુટકે બીજા દવાખાને લઇ જવો પડયો હતો અને સમય વીતી જવાને કારણે તે બાળકનું મૃત્યુ થયુ હોવાનો આક્ષેપ તેના પિતાએ કરી છે.

મંગળવાર તા.૧૯ના રોજશહેર નજીક પાંચવાડામાં રહેતાં ૧૧ વર્ષિ‌ય અકિલ ડામોરને સાપ કરડયો હતો. જેને સિવિલમાં સારવાર ન મળવાને કારણે આ બાળકનું મોત થયુ હોવાનો ગંભીર આક્ષેપ તેના પિતાએ કર્યો છે. તેમણે જણાવ્યા પ્રમાણે બપોરે સાડા બાર વાગે પોતાના ઇજાગ્રસ્ત પુત્રને સરકારી દવાખાને આવી પહોંચ્યા હતા. ત્યાર પછી તુરત જ બપોરે ૧૨:૪૨ મિનિટે તેમણે કેસ પણ કઢાવ્યો હતો. તેમ છતાં સારવાર કરનારું કોઇ હાજર ન હતુ.

છેવટે કોઇ તબીબ નહી મળતાં તેઓ પોતાના પુત્રને લઇને રળિયાતીમાં અર્બન બેન્ક હોસ્પીટલે લઇ ગયા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન અકીલનું મોત નીપજ્યુ હતુ. આમ તબીબોની ફરજ પ્રત્યેની સદંતર નિષ્કાળજીએ એક માસુમનો ભોગ લીધો છે.

મેડિકલ ઓફિસર કોણ હતુ તે જોવું પડે

આ બાળકને જ્યારે દવાખાને લાવવામાં આવ્યો ત્યારે કયા મેડીકલ ઓફિસર ડયુટી પર હતા તે જોવું પડશે. આ સમય ઓપીડીનો સમય હોવાથી કોઇ ડોક્ટર હાજર હોય જ. - ડો. આર.એમ.પટેલ, સિવિલ સર્જન

સારવાર મળી હોત તો મારો છોકરો બચી જાત

અમે છોકરાને સરકારી દવાખાને લઇ આવી ડોક્ટરને શોધ્યા પણ મળ્યા નહીં અને ધક્કા ખવડાવ્યા પછી અમે રળીયાતી લઇ ગયા. જો અહીં કોઇ ડોક્ટરે દવા કરી હોત તો મારો છોકરો બચી જતો. - મૃતકના પિતા