તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાડામાં ગાય ગોહરીની ઉત્સાહભેર ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-બેસતા વર્ષે જીવ સટોસટીના જંગ સમાન ગાય ગોહરી પડી લોકોએ પોતાની બાધા પૂર્ણ કરી
-લોકો દંડવત પ્રણામ કરી સુતા જતા હતા અને તેમના પરથી ગાયના ઘણ પસાર થતા હતા


દાહોદ જિલ્લામાં તહેવારો ઉજવવાની તરાહ ન્યારી છે. અહીં વર્ષોથી ઉજવાતી પરંપરા પ્રમાણે આજેય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવારે ગરબાડામાં નવા વર્ષના રોજ જીવ સટોસટીના જંગ સમાન ગાય ગોહરી પડી લોકોએ પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. આ વેળાએ સૂતળી બોમ્બ તેમજ ધમૂકાના ગગનભેદી અવાજથી ગાયો ભાગતી હતી અને તેના નીચે માણસો દંડવત પ્રણામ કરી સૂતા ત્યારે તેમની ઉપરથી ગાયના ઘણ નીકળતાં જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

દાહોદ જિલ્લામાં હોળી હોય કે દિવાળી અહીં દરેક તહેવાર ઉજવવાની રીત નોખી છે. દિવાળીના તહેવારે જિલ્લાના ઘણા ગામોમાં ગાય ગોહરી પડવામાં આવે છે. તે જ રીતે ગરબાડામાં પણ આ વખતે ગાય ગોહરી પડવામાં આવી હતી. ગરબાડાના મેઇન બજારથી શરૂ કરવામાં આવેલી ગાય ગોહરી તળે લોકો દંડવત પ્રણામ કરી સુતા જતા હતા અને તેમના ઉપરથી ગાયના ઘણના ઘણ પસાર થતા હતા. પરંતુ કોઇને ઇજા થતી ન હતી. આ રીતે લોકોએ નવા વર્ષે ગાય ગોહરી પડી પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. ગાય ગોહરી પડવામાં આવતી હતી તે વેળાએ ધમૂકા તેમજ બોમ્બ ફોડી તેના અવાજથી ગાયોને દોડાવવામાં આવતી હતી.

ગાય ગોહરીને જોવા ગરબાડા સહિ‌ત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટતાં ગરબાડાના બજારો લોકોથી છલકાયા હતા. જિલ્લાના ગરબાડામાં ગાય ગોહરીનું આયોજન મોટા પાયે કરવામાં આવે છે. આ જિલ્લાની આ પરંપરા છે અને પ્રતિ વર્ષ આ જ રીતે નવા વર્ષના દિવસે ગાય ગોહરી પડવામાં આવે છે. આ સ્થળે ગાય ગોહરી પડતી જોવી તે એક લહાવા સમાન છે.

બળદે શીંગડું મારતાં એકની હાલત ગંભીર
ગાય ગોહરીની ઉજવણી સંદર્ભે ગરબાડાના વેડફળીયાનો જગદિશ પરમાર પોતાના બળદોને નવડાવા માટે તળાવે ગયો હતો. જ્યાં તેના જ બળદે તેના પેટમાં શીગડું મારતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેને વડોદરાના એક ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે.