ઝાબુઆમાં દાહોદના વેપારી પરિવારનું કારમાં અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- ઝાબુઆમાં દાહોદના વેપારી પરિવારનું કારમાં અપહરણ
- અરિહંત દાલ-બાટીના માલિક સહિત 4 પારા ગામે ગયા હતા
- 30 કિમી દૂર બલવન ગામે લઇ જઇ લૂંટારુઓએ લૂટ ચલાવી


દાહોદ : મધ્ય પ્રદેશના ઝાબુઆ ગામમાં દાહોદના વેપારીની કાર રોકીને મારામારી કરી લૂંટારુઓ આખા પરિવારનું કારમાં જ અપહરણ કરી ગયા હતાં. ઝાબુઆથી 30 કિમી દૂર લઇ જઇ ત્યાં મહિલા સહિત તમામ લોકો પાસેથી દસ તોલા વજનના સોનાની દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. લૂંટ બાદ લૂંટારુ ટોળકી ફરાર થઇ ગઇ હતી. આ બનાવ અંગે ઝાબુઆ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના બંદૂકવાડ વિસ્તારમાં અરિહંત દાલ-બાટી નામક હોટલ ધરાવતાં અભય ભંસાલી પોતાની પત્ની કોકીલા, ભાઇ વીજય અને પૌત્ર સાથે મધ્ય પ્રદેશના જ પારા ગામે પ્રસંગમાં ગયા હતાં. ત્યાથી પરત આવતી વખતે સાંજના સાત વાગ્યાના અરસામાં ઝાબુઆ ગામની મોદ નદી પાસે કાર ધીમી પડી હોવાનો લાભ લઇને સ્વીફ્ટ કારમાં આવેલા આઠથી દસ લૂંટારુઓએ ઓવરટેક કરીને તમંચો બતાવીને કાર ઉભી રખાવી હતી. ડ્રાઇવ કરતાં અભયભાઇને નીચે ઉતારીને તેમની સાથે મારામારી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તેમને કારમાં બેસાડીને આખા પરિવારને ધાક-ધમકી આપીને લૂંટારુ ટોળકીએ તેમનું અપહરણ કર્યું હતું. ઝાબુઆથી 30 કિમી દૂર આવેલા બલવન ગામે લઇ જઇ ત્યાં સુનકાર હોવાનો લાભ લઇને લૂંટારુઓએ કોકીલાબહેન સહિતના લોકો પાસે પહેરેલા સોનાના આશરે દસ તોલા વજનના દાગીના ઉતરાવ્યા હતાં. દાગીના લૂંટીને ટોળકી પોતાની કારમાં ફરાર થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં બલવન પહોંચેલી મધ્ય પ્રદેશ પોલીસે લૂંટારુ ટોળકીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો. ઝાબુઆ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો.

અમદાવાદના ઠેકેદાર પાસેથી 60 હજાર સાથે કારની લૂંટ
અમદાવાદ શહેરના રહેવાસી અને વ્યવસાયે ઠેકેદાર સુભાષસિંહ છોટુસિંહ રાજપુત કાર લઇને ઇન્દૌરથી અમદાવાદ જઇ રહ્યા હતાં. ત્યારે ઝાબુઆ જિલ્લાના પાંચનાકા ગામમાં બે બાઇક પર આવેલા ચારે પથ્થરમારો કરીને કાર રોકાવી હતી. પથ્થરો વાગતાં ઘાયલ સુભાષસિંહ પાસેથી લૂંટારુઓ 50 હજાર રોકડા, ડિક્કીમાં મુકેલા દસ હજાર, એટીએમ, પાનકાર્ડ સાથે કારની લૂંટ કરીને ફરાર થયા હતાં. સુભાષસિંહ ઘાયલ અવસ્થામાં મધ્ય રાત સુધી ઝાડીઓમાં સંતાઇ રહ્યા હતાં. છ કલાક બાદ અમદાવાદથી પરિવાર આવતાં પીટોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.