આજથી હોળાષ્ટક શરૂ થતાં વિવિધ શુભ કાર્યો પર બ્રેક વાગી જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-દાહોદ જિલ્લામાં હોળીની ઉજવણીનો શુભારંભ : હોળી પછી લગ્નસરા ધુમ મચાવશે
-હોળીની ઉજવણી પૂર્ણ થશે તેવા જ ગોળ ગધેડા અને ચુલના મેળાઓની ભરમાર

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તેમનો સૌથી મોટો તહેવાર હોળી છે. જેથી હોળીની ઉજવણીની તૈયારીઓ આરંભાઇ ગઇ છે ત્યારે હોળાષ્ટક બેસી જતાં શુભ કાર્યો પર બ્રેક વાગી ગઇ છે. દાહોદ જીલ્લામાં ૭પ ટકા વસ્તી આદિવાસીઓની છે. તેમનો મુખ્ય તહેવાર હોળી છે.જ્યારથી હોળીનો દાંડો રોપાય છે ત્યારથી જીલ્લામાં હોળીની ઉજવણીનો આરંભ થઇ જાય છે. જેથી આ દિવસથી જ ગામડે ગામડે ગીરી કંદરાઓમાં ઢોલના ઢબુકા શરૂ થઇ જાય છે ત્યારે હવે હોળીને આડે ફક્ત અઠવાડિયું જ બાકી રહ્યું છે ત્યારે રવી વારથી હોળાષ્ટક બેસી ગયા છે.

જેથી આ દિવસથી ભારતીય અને હિંદુ સંસ્કૃતિ પ્રમાણે શુભ કાર્યો પર આપો આપ જ બ્રેક વાગી જાય છે. કારણ કે સામી હોળીએ કોઇ પણ માંગલિક પ્રસંગના આયોજન કરાતા નથી. જેથી હાલમાં દાહોદ પંથકમાં હાલમાં એક પણ શુભ પ્રસંગનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ નથી. જીલ્લામાં જેવી હોળીની ઉજવણી પૂર્ણ થશે તેવા જ ગોળ ગધેડા અને ચુલના મેળાઓની ભરમાર સર્જાશે અને ત્યાર પછી જીલ્લાના આદિવાસી સમાજમાં લગ્નસરાની ભરમાર સર્જશે. જેથી ગામે ગામ ડીજેની ધુમ સાંભળવા મળશે અને તેના સિવાય હોળાષ્ટક ઉતરતાં જ ફરી લગ્નસરા શરૂ થશે.