ભાઠીવાડા પાસે આઇસોની પાઇપ લાઇનમાં લીકેજ બાદ આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહેલ વર્કર્સ)
- ભાઠીવાડા પાસે આઇસોની પાઇપ લાઇનમાં લીકેજ બાદ આગ
- તેલ ભરતી વેળા અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ
- આખરે મોકડ્રિલ હોવાની જાણ થતાં લોકોને હાશકારો
દાહોદ : દાહોદના ભાઠીવાડા પાસેથી આઇઓસીની પાઇપ લાઇન પસાર થાય છે. આ પાઇપ લાઇનમાં શુક્રવારે સવારે લીકેજ થતા તેનુ સમારકામ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન જ આગ ફાટી નીકળતા બે વ્યકિતઓને ઇજા થઇ હતી. લાશ્કરોઓએ અડધા કલાકે આગ કાબુમાં લીધી હતી. ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ છેવટે આ મોકડ્રીલ હોવાનુ જણાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
કોયલી થી રતલામ સુધી 265 કિલોમીટરની લંબાઇ અને 12 ઇંચનો વ્યાસ ધરાવતી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપ લાઇન દાહોદ જીલ્લામાંથી પણ પસાર થઇ રહી છે. જીલ્લામાં 38 ગામોમાંથી આ પાઇપ લાઇન જઇ રહી છે તે દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામમાં મેગા જીઆઇડીસી પાસેથી નીકળે છે. તારીખ 28 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં આ પાઇપ લાઇન માંથી સ્ટેશન નંબર 245.500 નજીક એક ઠેકાણે લીકેજ થતુ હોવાનુ સીક્યુરીટી ગાર્ડને જોવા મળતા તેણે વડોદરાના કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
જેથી એક ટુકડી તાત્કાલિક અસરથી સમારકામ માટે દોડી આવી હતી. ટુકડીએ લીકેજ થયેલી પેટ્રોલીયમ પેદાશ ભરવાનુ શરૂ કર્યુ ત્યારે એકા એક જ આગ ફાટી નીકળી હતી. જેથી તુરત જ દાહોદના ફાયર વિભાગને જાણ કરતાં ફાયર કાફલો દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાનુ શરૂ કર્યુ હતુ. બે વ્યકિતઓને ઇજા થતા તેમને સારવાર માટે લઇ જવાયા હતા.
પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને લગભગ અડધા કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.છેવટે આ મોકડ્રીલ હોવાનુ જણાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.