ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા ગામમાં દારૂની લતને કારણે એક પૂત્રના મોત બાદ બીજો પૂત્રની પણ દયનિય હાલત હોવાથી તેમની માતા અનસુયાબહેન જોષી વ્યથિત બન્યા છે. પરિવાર બરબાદ થઇ ગયો હોવાથી ગામમાંથી દારૂનું દુષણ બંધ કરાવવા માટે આ માતાએ વડાપ્રધાનને પત્ર લખતાં ખળભળાટ મચી ગયો છે.
મહિલાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘હું ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગરબાડા ગામમાં રહેતી એક બ્રાહ્મણ વિધવા બાઇ છું. મારા ગામમાં કોઇપણ વિસ્તારોમાં જશો તો દારૂની દુકાનો આસાનીથી મળી જશે. જ્યાં વર્ષોથી વિના રોકટોક દારૂનું ધુમ વેચાણ થાય છે. જેના કારણે મારા બે પૂત્રોને દારૂની લત લાગી ગઇ હતી. મોટા પુત્રના લગ્ન બાદ આ ખરાબ આદતને કારણે છૂટાછેડા થયા હતાં. જેના કારણે બાદમાં તેની આ લત વધતી ગઇ અને અંતે તેનું યુવાનીમાં મરણ થયું હતું. જ્યારે મારા બીજા નંબરનો પુત્ર પણ દયનિય સ્થિતિમાં છે. મારો પરિવાર દારૂના દૂષણના કારણે ભાંગી ગયું છે. મારા ગામમાં આવા અનેક લોકો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે.
તથા ઘણાખરાં મોતને ભેટવાની સ્થિતિમાં છે. માટે આપ સાહેબને એક બ્રાહ્મણ પરિવારની આ વિધવા માની નમ્ર અરજ છે કે, ગરબાડા ગામમાં ચાલતાં દારૂના ધંધા માત્ર કાગળ ઉપર નહીં પરંતુ ખરેખર કાયમી રીતે બંધ કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક તંત્ર ગામની આ તમામ હકીકતોથી વાકેફ હોવા છતાં આ દુષણ બંધ કરાવતાં નથી. તેનું આશ્ચર્ય છે. માટે સત્વરે અમારા ગામમાં આ દારૂનું દૂષણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે તેવી નમ્ર અરજ છે.’આમ, ગરબાડા ગામમાં ઠેરઠેર દારૂની હાટડીઓ હોવાથી કેટલાય લોકો બરબાદ થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.