દાહોદ જિ.માં 1.89 લાખ હે.માં વાવેતર પૂર્ણ, ઉઘાડ નીકળતાં ખેતીને ફાયદો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉઘાડ નીકળતાં ખેતીને ફાયદો : ખેડૂતોને નીંદામણ અને ખેડનો સમય મળી ગયો
દાહોદ: દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી મેઘ મહેર થઇ રહી છે. તેને કારણે જિલ્લામાં ચારે કોર ખુશીની લહેર છવાયેલી છે. વરસાદ વરસતા ડાંગરનુ વાવેતર પણ શરૂ થઇ ગયુ છે. વાવણીનો કુલ આંક 1.89 લાખ હેકટર સુધી પહોંચી જતા વર્ષ સારું જવાની આશા બંધાઇ છે. ત્યારે ઉઘાડ નીકળતા ખેતીને ફાયદો થઇ રહ્યો છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા એક માસથી મેઘાએ મ્હો ફેરવી લીધુ હતુ અને ખેતી નષ્ટ થવાને કિનારે હતી ત્યારે જ છેલ્લી ઘડીએ મેઘ મહેર થતા ખેતીને જીવતદાન મળ્યુ છે. તેને કારણે જિલ્લામાં ધરતી પુત્રોમાં ખુશીનુ વાતાવરણ ફેલાયેલુ છે. જિલ્લામાં ખરે ટાંકણે વરસાદ થતા વાવણીનો બીજો રાઉન્ડ પણ્ શરૂ થઇ ગયો છે અને તેમાં પણ મહત્તમ મકાઇ અને સોયાબીનનુ વાવેતર જ થઇ રહ્યુ હતુ. ત્યાર પછી છેલ્લા અઠવાડિયાથી સતત વરસતા વરસાદને કારણે હવે ખેતરોમાં પાણી ભરાઇ રહ્યા હોવાથી ડાંગરની વાવણીની પણ શરૂઆત થઇ ગઇ છે.
હાલમાં ડાંગરની વાવણી 25,471 હેકેટરમા કરી દેવામાં આવી છે અને તેની સાથે મકાઇ સોયાબીન તો મહત્તમ કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત તુવેર અડદ જેવા કઠોળના પાક લેવા માટે પણ થોડી ઘણી વાવણી કરવામાં આવી છે. આમ વરસાદના પ્રથમ રાઉન્ડ વેળાએ જીલ્લામાં 1.45 લાખ હેકેટરમાં વાવેતર કરાયુ હતુ ત્યારે બીજો રાઉન્ડ શરૂ થતા સંતોષકારક પાણી પડી જતા હવે કુલ વાવણીનો આંક 2,24,000 હેક્ટરમાંથી ગત 24 જુલાઇ સુધીમાં 1,89,242 હેકટર સુધી પહોંચી ગયો છે. આમ થોડી ઘણી જમીન જ ખેતી માટે બાકી રહી છે ત્યારે આગામી દિવસોમાં 100 ટકા વાવેતર થવાની સાથે આ ઋતુ ફાયદાકારક નીવડશે તેવી સંભાવનાઓ છે. કારણ કે બીજા રાઉન્ડમાં વરસાદ દસ દિવસ થતા મકાઇ સહિતના પાકને ફાયદો થવાનો છે.
વરસાદ બંધ રહેતાં પાકને ફાયદો

સમયસરનો ઉઘાડ નીકળી ગયો છે. જેથી ખેતરમાં નીંદામણ કે આંતર ખેડનો સમય મળી ગયો છે. મકાઇ તેમજ તમામ પાકને પાયદો છે તેમજ ડાંગરની રોપણી પણ શરૂ થઇ ગઇ છે. હવે જૂજ વાવેતર બાકી છે ત્યારે પાંચેક દિવસનો ઉઘાડ જરૂરી છે. પંદરેક દિવસ પછી પણ વરસાદ પડે તો વાંધો નથી તેમજ હાલમાં ઝરમરિયા થાય તો પણ કોઇ મુશ્કેલી થાય તેમ નથી.
- જે.ડી.ચારેલ, ઇન.ખેતીવાડી અધિકારી
અન્ય સમાચારો પણ છે...