તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદઃ જુની બેડીના નાનજીભાઇએ સરકારી સહાય વગર જીદ કરીને જાતે કૂવો ખોદ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવગઢ બારીયાઃ દેવગઢ બારીઆ તાલુકાના અંતરીયાળ વિસ્તાર જુની બેડી ગામના નાનજીભાઇ રાઠવાએ જીદ કરી જાતે કુવો ખોદી ફળીયાવાળાની દુિનયા બદલી કાઢી છે.
દેવગઢ બારીઆ તાલુકાના છેવાડાના વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા જુનીબેડી ગામના તળાવ ફળીયામાં લગભગ 6 થી 7 ઘરોની વસ્તીમાં 60 થી 70 લોકો વસવાટ કરે છે.
- કોઇ પણ સરકારી સહાય વગર છોકરાઓની મદદથી 29 હાથ ઉંડો કૂવો ખોદયો : ફળિયાના 60 થી 70 લોકોની પાણીની સમસ્યા દૂર થઇ
આ ફળીયામાં જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સીના સૌજન્યથી જીવન ધારા યોજનાનો વર્ષ 1991/92માં કૂવો બનાવામાં આવ્યો હતો. આ સરકારી કૂવાનું પાણી સુકાઇ જતા અને નજીકમાં પીવાના પાણીની બીજા કોઇ પણ વ્યવસ્થા ન હોવાને કારણે આ ફળીયાના લોકોને મુશ્કેલી પડતી હતી. હેન્ડપંપ પણ બગડી ગયો હતો.

આ લોકોને પાણીની ખુબ તંગી પડતી હતી. આ ફળીયાના રહેવાસી નાનજીભાઇ રાઠવાએ પાણીની આ તકલીફ દુર કરવાના નિર્ધાર સાથે જાત મહેનતે કોઇ પણ સરકારી સહાય વગર કુવો ખેાદવાની જીદ કરી અને દેશી સાધનો, કોસ, ત્રિકમ, છીણી, હથોડાથી વર્ષ 2011માં કુવો ખોદવાની શરૂઆત કરી. તેમના 7માંથી પાંચ મોટા છોકરાઓએ તેમને મદદ કરી અને 29 હાથ ઊંડો કૂવો ખોદયો. જેને 4 વર્ષનો સમય લાગ્યો. છ હજાર ઇંટો, બે ગાડી પથ્થર 35 થેલી સીમેન્ટ વાપરીને આ કામ કર્યુ હતું. તેમના છોકરા મસરૂભાઇ, ભયલાભાઇ, મરજીભાઇ, ધનસુખભાઇ, રવજી, કરસનભાઇ, પત્ની ચતુરીબેન અને વહીરાબેને મદદ કરી હતી. આમ, આ કૂવો ખોદાતાં તેઓના આખા ફળીયાને પીવાના પાણીની તંગી દુર થઇ અને તેઓની દુિનયા બદલાઇ ગઇ છે.

પાણીની તંગીથી કૂવો ખોદવાનો નિર્ધાર કર્યો
અમારા ફળીયામાં પીવાના પાણીની ખુબ તંગી હતી ખુબ દુરથી પીવાનું પાણી લાવવું પડતું હતું. જેથી મેં કૂવો ખોદવાનો નિર્ધાર કર્યો. મારા બાપદાદા ભીખાપુરા તાલુકાના બોરકુંડા ગામે રહેતા હતા ત્યારે અછતના વર્ષોમાં તેઓને મેં નાનપણમાં કુવો ખોદતા જોયા હતા. જેથી આ ગામમાં વસ્યા બાદ મેં તે પ્રમાણે દેશી હથિયારોથી ધુણ, છીણા, ત્રિકમ, કોશથી કુવો ખોદવાની શરૂઆત કરી અને મારા બળદો જોડીને કુવામાંથી માટી કાઢતા હતા આ કૂવો મેં ચાર વર્ષ દરમિયાન ખોદયો હતો. ચાર વર્ષની મહેનત બાદ બિલકુલ દેશી રીતથી આ કુવો ખોદયો છે. જેના કારણે સૌ રહીશોની પીવાના પાણીની તકલીફ દૂર થઇ છે. - નાનજીભાઇ પારસીંગભાઇ રાઠવા, કૂવો ખોદનાર

કૂવો બનાવી અમારી સમસ્યા દૂર કરી છે

મારા ઘર પાસે વર્ષ 1991-92માં જિલ્લા વિકાસ એજન્સીએ કૂવો બનાવ્યો હતો. આ કૂવાનું પાણી બીલકુલ સુકાઇ જતાં અમોને પીવાના પાણીની ખુબ તંગી પડતી હતી. દુર દુરથી પાણી લાવવું પડતું હતું. નજીકમાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા ન હતી બીજી કોઇ સરકારી યોજના અંતર્ગત પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. પણ નાનજીભાઇ પારસીંગભાઇ રાઠવાએ નવો કૂવો જાતે બનાવીને અમારી પાણીની સમસ્યા દૂર કરી છે. અમે બધા તેમના કૂવાનું પાણી વાપરીએ છીએ. - પારસીંગભાઇ મલુભાઇ રાઠવા, ફળીયાના રહીશ
અન્ય સમાચારો પણ છે...