તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમખેડાના પાલ્લી ગામેથી તાંત્રિક વિધિ કરી લઇ જવાયેલી યુવતી ભૂવા સાથે ઝડપાઇ ગઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી દોઢ માસ પહેલાં વિધિ કરીને ભૂવો યુવતીને પોતાની સાથે લઇ ગયો હતો. આ યુવતી અને ભૂવો આજે દાહોદ શહેરના રેલવે સ્ટેશને ઉજ્જૈન જતી મેમુમાંથી ઝડપાઇ ગયા હતાં.
- પાલ્લીમાં બીમારી દૂર કરવા ભુવો ઘરે આવતો હતો: મેમુમાં હોવાની પરિવારને જાણ થતાં દાહોદ ઝડપી લીધા
- દોઢ માસ પહેલાં લઇ જનાર ભુવાએ વાળ- દાઢી કાઢ્યા હતા

લીમખેડાના પાલ્લી ગામની 19 વર્ષિય એક યુવતી અચાનક જ ધુણતી હોવાથી તે હવામાં આવી હોવાનું સમજી પરિવાર વિવિધ મંદિરે લઇ જઇ તેની વિધિ કરાવતા હતા. દરમિયાન લીમખેડાના જ મોટા હાથીધરામાં ભૂવાનું કામ કરતો 50 વર્ષિય બળવંત હઠીલાએ તેને સારી કરવાનું જણાવ્યું હતું. તાંત્રિક વિધિ કરવા બળવંત અવાર-નવાર યુવતીના ઘરે આવતો હતો. દોઢેક માસ પહેલાં ઘરે કોઇ ન હોવાનો લાભ લઇને તે યુવતીને પોતાની સાથે ભગાવી ગયો હતો. ભુવાએ પોતાના વાળ-દાઢી પણ કઢાવી નાખ્યા હતા.

સપ્તાહ સુધી રાહ જોયા બાદ પરિવારે લીમખેડા પોલીસ મથકે યુવતીના અપહરણની અરજી આપી હતી. શોધ કરવા છતાં યુવતીનો પત્તો મળ્યો ન હતો ત્યારે શનિવારે યુવતી વડોદરાથી આવતી મેમુમાં હોવાની જાણ થઇ હતી. જેને પરિવારના લોકોએ દાહોદ સ્ટેશને બંનેને ઝડપી રેલવે પોલીસને સોંપી દીધા હતાં. બાદ કબજો લીમખેડા પોલીસને સોંપી દીધો છે.

સારું થાય માટે ઇલાજ થતી હતી
છોકરીને માતાજીનો પવન હતો. સુધારો થતો હોય તો ઠીક એટલે બળવંતને ઇલાજ કરવા બોલાવતાં હતાં. દોઢ માસ પહેલાં વિધિ કરીને તે મારી છોકરીને ઉપાડી ગયો હતો. અમે આ મામલે લીમખેડા પોલીસ મથકે અરજી પણ આપી હતી. - છોકરીના પિતા, પાલ્લી

પરિવાર હેરાન કરે છે કહેતાં સાથે લઇ ગયો હતો
હું શિવનો ભક્ત છું. કોઇ પણ મંદીરે સેવા પૂજા કરી લઉં છું. પરિવારના લોકો મને હેરાન કરે છે તમે સાથે લઇ જાઓ કહેતાં છોકરીને સાથે લઇ ગયો હતો. હરિદ્વાર, ડાકોર અને મારા ગુરુને ત્યાં બાંસવાડા લઇ ગયો હતો. મે વાળ અને દાઢીનો ભોગ આપી દીધો છે. છોકરીની બાધા હોવાથી તેને જાવરા લઇ જવા સંતરોડથી મેમુમાં બેઠા હતાં. હું પરિણીત છુ અને મારે ચાર બાળકો પણ છે.- બળવંત હઠીલા, ભૂવો, મોટા હાથીધરા

યુવતી કંઇ બોલતી જ નથી
ભુવા દ્વારા વિધિ કરીને સાથે લઇ જવાયેલી યુવતિ રેલવે પોલીસ મથકમાં સુનમુન બેસી રહેલી જોવા મળી હતી. તેની પુછપરછ કરવા છતાં તે મોઢેથી કંઇ જ બોલી ન હતી. કદાચ યુવતિ ગભરાઇ ગઇ હોવાથી તેણે પરિવાર સાથે પણ વાત કરવાનું ટાળ્યું હતું. યુવતી બોલે તો જ સાચી હકીકત ખબર પડે.
અન્ય સમાચારો પણ છે...