દાહોદ: દાહોદ શહેરમાં આવેલું રેલવે આગામી થોડા દિવસોમાં સ્ટેશન હવે એક-બે નહીં આખા 30 કેમેરામાં કેદ રહેશે. પ્લેટફોર્મ, સ્ટેશનની એન્ટ્રી અને રેલવેની ગોદીમાં આ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. કેમેરા ઇન્સ્ટોલ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવાઇ છે.
સુરક્ષા અને ગુનાઇત કૃત્યો ઘટાડવા માટે સીસીટીવી કેમેરા લગાવાશે
મ.પ્ર.અને રાજસ્થાનની સરહદે આવેલા દાહોદ શહેરનું રેલવે સ્ટેશન ભલે બી કેટેગરીમાં આવતું હોય પરંતુ રેવન્યુના મામલે તે રતલામ સ્ટેશનથી થોડોક જ પાછળ છે. તેના કારણે અહીં દિવસે-દિવસે વિવિધ સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. બહોળા પ્રમાણમાં લોકો એકઠા થતાં હોય તેવા સ્થળે લોકોની સુરક્ષા અને ગુનાઇત કૃત્યો ઘટાડવા માટે સીસી ટીવી કેમેરા ફરજિયાત લગાવવા માટે શહેરી વિસ્તારોમાં તો જાહેરનામા બહાર પડેલા છે. ત્યારે દિવસના હજારો લોકોની આવન-જાવન છે તે શહેરના રેલવે સ્ટેશને એક પણ સીસી ટીવી કેમેરો ન હોવાથી કોઇ ગુના બનાવાના કિસ્સામાં આરપીએફ અને જીઆરપીને આપદા પડતી હતી.
આ સ્ટેશને 30 સીસી ટીવી કેમેરા ફીટ કરવાનો નિર્ણય
પ્રજાની લાંબા સમયની માગ જોતા આ સ્ટેશને 30 સીસી ટીવી કેમેરા ફીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એજન્સીને કામ સોંપી દેવામાં આવતાં સ્ટેશનના ત્રણે પ્લેટફોર્મ, સ્ટેશનની એન્ટ્રી, ટિકિટ બારી, પાર્સલ વિભાગ અને રેલવે ગોદીમાં મળીને કુલ હાઇફીક્વન્સીના 30 સીસી ટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. એજન્સીએ સર્વે કરીને કેમેરા લગાવવા માટે વાયરિંગનું કામ શરૂ કરી દીધુ છે.
એક વર્ષ સુધી ભાડુ ચૂકવશે
દાહોદના રેલવે સ્ટેશને જે સીસી ટીવી કેમેરા લાગવાના છે તે રેલવેએ ખરીદ્યા નથી. આ કેમેરા ભાડે લેવાયા છે. આ કેમેરા એક વર્ષ સુધી રાખી વિવિધ સારા-નરસા પાસા તપાસવામાં આવશે. આ એક વર્ષનું ભાડુ રેલવે સબંધિત એજન્સીને ચૂકવશે. એક વર્ષ બાદ પોતે ખરીદી કરીને રેલવે કેમેરા ફીટ કરાવશે તેવી માહિતી મળી છે.