જઘન્ય કૃત્ય/ દાહોદમાં મકાન પડાવી લેવાની શંકાએ મહિલાની હત્યા, માસૂમ બાળકીને જીવતી નદીમાં ફેંકી

Bhaskar News

Bhaskar News

Nov 28, 2018, 11:50 AM IST
Mother and daughter murder in Dahod

* બેથી અઢી કલાકના ડખા બાદ ગળુ દાબી દીધુ

* દંપતિ સાથે તેમના એક મિત્રની પણ સંડોવણી

* પ્રાંત અધિકારીની હાજરીમાં લાશ બહાર કાઢી ફોરેન્સિક ટેસ્ટ માટે વડોદરા ખસેડાઇ

* 3 વર્ષ પહેલાં મંદીરે ત્યજાયેલી નવજાત એન્જલને પુત્રી બનાવી હતી

દાહોદ: દાહોદ શહેરથી રહસ્યમય રીતે ગુમ થયા બાદ પૂત્રીની લાશ હડફ નદીમાંથી મળ્યા બાદ માતાની પણ હત્યા કરીને તેને ઘરના ભુગર્ભ ટાંકામાં જ દફન કરી દેવાઇ હોવાનું ખુલતાં શહેર સહિત આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મહિલાએ વ્યાજે આપેલા રૂપિયાના બદલે ઘર પડાવી લેશે તેવી દહેશતે દપંતિ અને તેમના એક મિત્રએ ભેગા મળીને આ કૃત્ય આચર્યું હતું. દાહોદ શહેરના દર્પણ સિનેમા વિસ્તારમાંથી નંદાબેન સીસોદીયા અને તેની દત્તક પુત્રી એન્જલ ઉર્ફે શિયોના પૈકી 17મી નવેમ્બરે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ હતી. એન્જલનો લીમખેડાની હડફ નદીમાંથી મૃતદેહ મળ્યા બાદ શંકાના આધારે શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતાં દંપતિ દીલીપભાઇ ભાભોર અને મંજુબેન ભાભોર સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

બે લાખના નંદાબેન સાત લાખ માંગતા હતા

ડીવાયએસપી કલ્પેશ ચાવડાના માર્ગદર્શનમાં પીઆઇ કે.જી પટેલ, પીએસઆઇ એ.એન પરમાર અને એન.આર ચૌધરી અને એએસઆઇ આજરાબેને તલસ્પર્શી તપાસ આદરી હતી. પુછપરછમાં દંપતિ અંતે ભાગી પડતાં તેમણે આ જઘન્ય અપરાધની કબૂલાત કરી હતી. આ દંપતિ સાથે ગોધરા રોડ વિસ્તારમાં રહેતાં જ તેમના રોહીત નામક મિત્રએ પણ સાથ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. વ્યાજે લીધેલા બે લાખના નંદાબેન સાત લાખ માંગતા હતા અને રૂપિયા નહીં આપી શકે તો ઘર નામે કરી દેવાની વાત કરતાં હતાં.

નંદાબેનની લાશને ચણી દીધી

17મી તારીખની રાત્રે નંદાબેનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઘરની પાણીની ભુગર્ભ ટાંકીમાં તેમનો મૃતદેહ નાખી દેવાયો હતો. એન્જલ પ્રત્યક્ષદર્શી હોવાથી દીલીપ અને મિત્ર રોહીતે રાતોરાત એન્જલને લીમખેડાની હડફ નદીમાં જીવતી ફેંકી દેતાં તેનું મોત થયું હતું. હત્યા બાદ મિત્ર રોહીત ગોધરા જતો રહ્યો હતો અને દીલીપ રાતના 12 વાગ્યા પછી પાછો ઘરે આવ્યો હતો. 18મી તારીખે સવારે સિમેન્ટ મંગાવી 11 વાગ્યા બાદ દંપતિએ ભેગા મળીને થોડુ પાણી ભરેલી ટાંકીમાં કોરો સિમેન્ટ નાખીને નંદાબેનની લાશને ચણી દીધી હતી.કોઇને શંકા ન જાય તે માટે સમાંતર ટાઇલ્સો પણ ગોઠવી દીધી હતી.મંગ‌ળવારે પ્રાંત અધિકારીની હાજરીમાં લાશ બહાર કઢાઇ હતી. સાંજ પડી જતાં પોસ્ટમોર્ટમ બુધવાર ઉપર ઠેલાયું હતું. 8 ફુટ ખોદવા માટે 10 કલાક બ્રેકર ચલાવ્યું.

સીસીટીવી ફુટેજ-ફોનથી દંપતિ શંકાના ઘેરામાં


નંદાબેન દીલીપના ઘરે ગયા હતાં. ગોધરા રોડની જય માતાજી સોસા. આગળની ગળી સુધીના ફુટેજ મળ્યા હતાં.જોકે, આગળના કેમેરામાં ફુટેજ નહીં આવતાં તે દીલીપના ઘરે જ ગયા હોવાનું સિદ્ધ થયું હતું. આ સાથે નંદાબેને જ પાડોશીને મિત્રના ઘરે હોવાનો ફોન કરીને મંદીરને તાળુ મારવાનું કહેતાં દંપતિ શંકાના ઘેરામાં આવ્યું હતું.

ખૂની ખેલનો ઘટનાક્રમ


* 17 નવે. - સાંજે માતા-પૂત્રી દંપતિના ઘરે ગયા, ગળુ ભીંચી નંદાબેન અને નદીમાં ફેંદીને એન્જલની હત્યા
* 18 નવે. - પાણીની ભૂગર્ભ ટાંકીમાં મૃતદેહ ઉપર સિમેન્ટ નાખી ટાંકી પુરી દેવાઇ
* 19 નવે. - પરિવાર દ્વારા શોધખોળ, દંપતિ સામે શંકા
* 20 નવે.- રાત્રે જાદુગરના શો માંથી પકડી દંપતિને પોલીસને સોંપાયું, સામાન્ય પૂછપરછ બાદ જવા દેવાયું
* 21 નવે. - દંપતિ ફરાર, માતા-પુત્રીને શોધવાની કવાયત ચાલુ જ રહી
* 22 નવે. - એન્જલની લાશ લીમખેડા હડફ નદીમાંથી બિનવારસી મળી
* 23 નવે.- એન્જલની લાશની ઓળખ, શંકાસ્પદ મંજુબેન પોલીસ સમક્ષ હાજર
* 24 નવે.-શકમંદ પતિ દીલીપ ભાભોર પણ પોલીસ સમક્ષ હાજર
* 25 નવે.-દંપતિ સામે શંકાના આધારે હત્યાનો ગુનો દાખલ
* 26 નવે.-ન્યાય માટે પરિવારની રેલી, મોડી રાત્રે દંપતિની હત્યાની કબૂલાત
* 27 નવે.- દંપતિના ઘરમાં ટાંકીમાં ચણાયેલી નંદાબેનની લાશ બહાર કઢી ફોરેન્સિક ટેસ્ટ માટે વડોદરા ખસેડવામાં આવી

X
Mother and daughter murder in Dahod
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી