* દાહોદ જિલ્લામાં ભૂવા-બડવા અને ભગતની સંખ્યા 1108
* વહીવટી તંત્ર ભૂવાઓને વિનંતી કરાય છે લોકોને દવાખાને પણ મોકલો
* અંધશ્રદ્ધાના ઉંડા મૂળિયાનો પુરાવો આપતી ટાઢાગોળાની ઘટના
* લોકો વિશ્વાસ રાખે છે ત્યારે ભૂવા જ અંધશ્રદ્ધા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે
ઇરફાન મલેક, દાહોદ: દાહોદ જિલ્લાના ટાઢાગોળામાં ડાકણની શંકામાં બે મહિલાઓને નગ્ન કરવા સાથે ઝાડ સાથે બાંધીને ડામ દેવાની ઘટના પાછળ અંધશ્રદ્ધાળુ પરિવાર સાથે મધ્યપ્રદેશનો ભૂવો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ ભુવા-બડવા અને ભગતની સંખ્યા 1108 છે. ત્યારે લોકો વિશ્વાશ રાખતા હોઇ તેમને ગેરમાર્ગે ન દોરી જિલ્લામાં વ્યાપ્ત અંધશ્રદ્ધા દૂર કરવામાં ભૂવા જ મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે.
દાહોદ જિલ્લો વર્ષોથી પછાત ગણાતો આવ્યો છે. જોકે, હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પરંતુ આ જિલ્લામાં વર્ષોથી ઘર કરી ગયેલા અંધશ્રદ્ધાના દુષણને કારણે કેટલાય પરિવારોને વેઠવું પડ્યું છે અને તે સિલસિલો આજપર્યંત ચાલુ જ છે. ડાકણની અંધશ્રદ્ધાને કારણે ભૂતકાળમાં અનેક મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવાના પણ કિસ્સા અહીં બની ચૂક્યા છે. વિવિધ બીમારીના કિસ્સામાં ડાકણ, ભૂત અને મેલું કરી દીધું હોવાની અંધશ્રધ્ધા રાખી ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો ભુવા, બડવા અને ભગતોને શરણે જાય છે. જિલ્લામાં આવા 1108 ભુવા-બડવા અને ભગત પોતાની ધુણી ધખાવી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારના ઘણા લોકો બીમારીના સમયે સૌથી પહેલો સંપર્ક ભુવાનો જ કરતા હોય છે અને તેના કારણે મજબૂર વહિવટી તંત્રને ભુવાઓનું સંમેલન યોજીને તેમની પાસે દોરા-ધાગા કરાવવા જતાં લોકોને દવાખાને જવાની સલાહ આપે તેવી વિનંતી પણ કરવી પડે છે. વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે વર્ષે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ડાકણની અંધશ્રદ્ધામાં મહિલાઓ ઉપર થતાં હુમલાની ઘટનાઓ આખું વર્ષ ચાલતી જ રહે છે. જેમાં ટાઢાગોળા ગામમાં તાજેતરમાં બનેલી ઘટના આંખ ઉઘાડનારી છે.
અંધશ્રદ્ધા દૂર કરવા તંત્ર શું કરે છે
* ભુવાઓને ભેગા કરીને તેમનું સંમેલન યોજાય છે
* શેરી નાટક અને ભવાઇના કાર્યક્રમ કરાવાય છે
* ગામના ફળિયાઓમાં શિબિરો કરી જાગૃતિ ફેલાવાય છે
* આશા વર્કરો,FSW,MPHW ઘરે-ઘરે ફરી જાગૃતિ ફેલાવે છે
919 લોકો વચ્ચે એક ભૂવો
2011 પ્રમાણે દાહોદ જિલ્લાની વસ્તિ 2127086 છે અને તેમાં હાલ વધારો પણ થયો હશે. જિલ્લામાં 1108 ભુવાનું વહિવટી તંત્ર પાસે લીસ્ટ છે ત્યારે જિલ્લાના દર 1920 લોકો વચ્ચે એક ભુવો હોવાનું ગણી શકાય તેમ છે.
કેસ 1
20 સપ્ટેમ્બર2018ના રોજ ધાનપુર તાલુકાના નવાનગર ગામના પાંચ ઇસમોએ ડાકણ હોવાનું કહીને ગામની મહિલા પર મેલી વિદ્યા કરી હોવાનો આરોપ મુકી લાકડીઓનો મારમારી એક જ ઘરના છ ઇસમોને ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં ફરિયાદ પોલીસ નોંધાઇ હતી.
કેસ-2
5 ઓક્ટો 2018ના રોજ દાહોદના ચંદવાણામાં ચાર ઈસમોએ ગામની એક 60 વર્ષિય વૃધ્ધા પર ડાકણ હોવાનો આરોપ મુક્યો હતો. આ મામલે ભેગા થયેલા ગામના પંચમાં બોલાવવા ગયેલ ઈસમને આ ચારેયે લાકડીનો માર મારી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
કેસ-3
29 ઓક્ટોબર 2018ના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામનમા તળ થાણા ફળિયામાં રહેતી રહેતી એક આધેડ મહિલાને ગાળો બોલી તું ડાકણ છે અને અમારા ઘરના માણસોને બિમાર રાખે છે. તેમ કહી ગડદાપાટુનો ગેબી માર મારી પીઠ પાછળ તથા પેટના ભાગે ઇજાઓ પહોંચાડતાં ફરિયાદ નોંધાઇ હતી.
કેસ-4
20 નવેમ્બર 2018ના રોજ ટાઢાગોળામાં ડાકણની અંધશ્રદ્ધામાં દેરાણી-જેઠાણીને નગ્ન કરીને ઝાડ સાથે બાંધીને હાથ-ખભા તોડી નાખવા સાથે શરીરે ડામ દેવાની ઘટના બની હતી. આ બનાવના ત્રીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.