તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યપ્રદેશના સરહદી ગામોના લોકો ગુજરાતની સરહદમાંથી પેટ્રોલના કારબા ભરી જઇને ધંધો કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર જ્યારથી વેટમાં પાંચ ટકાનો વધારો થયો છે ત્યારથી ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો ઉપાડ વધી ગયો છે. આ પાછળનું કારણ એ છે કે, ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુર કરતાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં પેટ્રોલ 10થી 12 રૂપિયા મોંઘુ છે અને ડીઝલના પણ 2થી3 રૂપિયા વધુ ચુકવવા પડી રહ્યા છે. ભાવમાં વિસંગતતાને કારણે ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં સરહદ ઉપર આવેલા પેટ્રોલ પંપો ઉપર વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સામે ગુજરાતની હદમાં સરહદે આવેલા પેટ્રોલ પંપો ઉપર એકાએક જ વેચાણ વધી ગયું છે. પેટ્રોલ ઉપર લીટરે 10 રૂપિયા બચાવવા માટે મધ્ય પ્રદેશના પીટોલ, ઝાબુઆ વિસ્તારના લોકો 10-15 કિમી દૂર દાહોદના હિમાલા, કતવારા, બોરડી જ્યારે થાંદલા ,કાકનવાની વિસ્તારના લોકો ચાકલિયા અને અલીરાજપુરના લોકો છોટાઉદેપુર સુધી લાંબા થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશની હદમાં આવેલા પેટ્રોલ પંપો ઉપર શુક્રવારે પેટ્રોલ 83.44 અને ડિઝલ 74.26 રૂપિયાના ભાવે વેચાયુ હતું. તેની સામે ગુજરાતની હદના પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ 72.66 રૂપિયા અને ડિઝલ 71.30 રૂપિયાના ભાવે વેચાયુ હતું. આમ શુક્રવારે પણ મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોના પંપો કરતાં ગુજરાતના દાહોદ- છોટાઉદેપુરમાં પેટ્રોલ 10.98 રૂપિયા અને ડિઝલ 2.96 રૂપિયા સસ્તુ વેચાયુ હતું. હાલમાં મધ્ય પ્રદેશની સરકાર દ્વારા કરવામાં આવેલા વેટમાં વધારાના કારણે પેટ્રોલના ભાવ ગુજરાત કરતાં વધુ હોવાથી લોકો કારબા ભરીને મધ્યપ્રદેશ પેટ્રોલની હેરાફેરી કરે છે અને ધંધો કરી રહ્યાં છે.

મ.પ્ર.ના પંપો પર કર્મીઓ નવરાધૂપ, ગુજરાતમાં ધમધમાટ
મધ્યપ્રદેશ
Rs.83.44/લીટર
મધ્યપ્રદેશ સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં 5 ટકા વેટમાં વધારો કરતાં સરહદી ગામોના પેટ્રોલ પંપના સંચાલકો નવરાધુપ બની ગયા છે.

મધ્યપ્રદેશમાં ભાવ વધારાની અસર ગુજરાતના પેટ્રોલ પંપ પર પડી રહી છે. દિવસભર લોકો આવતાં વેચાણમાં વધારો નોંધાયો છે.

બે પંપ વચ્ચે માત્ર 10 કિમી અંતર પેટ્રોલના ભાવમાં Rs. 10.78 ફરક
ગુજરાત
Rs.72.66/લીટર
સરચાર્જને કારણે ભાવમાં અંતર
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારે વેટમાં5 ટકા વધાર્યો છે. તેની માર મધ્ય પ્રદેશના લોકોને વેઠી રહ્યા છે. વેટ અહીં પહેલેથી જ વધારે હતો. શિવરાજ સરકારના સમયે પેટ્રોલ ઉપર 28ટકા હતો જ્યારે હવે 33 ટકા થઇ ગયો છે. જોકે, બીજા કર, સેસ અને સરચાર્જને કારણે પેટ્રોલના ભાવમાં ગુજરાત કરતાં 10અને ક્યારેક 12 રૂપિયાનું અંતર જોવા મળી રહ્યું છે. પેટ્રોલનો ભાવ વિશ્વ બજારમાં વધવા સાથે આ અંતરમાં પણ વધારો જોવા મળશે.

બંદીવાળા ગ્રાહકો બંધ થઇ ગયા
 અહીંના લોકો 10, 15 કિમી દૂર કતવારા અને રાછરડા જ પેટ્રોલ ભરાવે છે. પહેલાં 6થી 8 હજાર લીટર પેટ્રોલ-ડિઝલનું દૈનિક વેચાણ થતું હતું. હવે 1000થી 1500 લીટર જ વેચાણ થાય છે. સુમેરસિંગ બબેરિયા, મેનેજર, અંબાજી પેટ્રોલ પંપ,પીટોલ

Rs.10નો લાભ થતાં મ.પ્રથી આવે છે
 મધ્ય પ્રદેશમાં વેટ વધવાને કારણે પેટ્રોલના ભાવ વધ્યા છે.મધ્ય પ્રદેશના લોકોને લીટરે 10નો લાભ થતા તેઓ અહીં પેટ્રોલ પુરાવવા આવે છે. પાછલા કેટલાક દિવસોથી પેટ્રોલનો દૈનિક 100 લીટર વધારાનો ઉપાડ થઇ રહ્યો છે. સુરેન્દ્રભાઇલબાના, સંચાલક, લબાના પેટ્રોલ પંપ, હિમાલા, તા.દાહોદ

Rs.10થી 12 ઓછા આપવા પડે છે
 અમારે ત્યાં પેટ્રોલના ભાવ વધી ગયા છે. અહીં 10થી 12 રૂપિયા ઓછા આપવા પડે છે. દેહદા મહારાજને ત્યાં ગયા હતાં. જેથી જતી વખતે અહીંથી પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા છીયે. સકુભાઇ ડામોર,સરપંચ, કોટડા, મ. પ્ર

અમારે ત્યાં પેટ્રોલ મોંઘું મળે છે
 અમારે ત્યાં હાલમાં પેટ્રોલ મોંઘુ મળી રહ્યું છે. અમારે અવાર નવાર દાહોદ કામ અર્થે આવવાનું થતુ રહે છે. અમારે ત્યાં મોઘુ પેટ્રોલ મળે છે. જેથી અહીં આવીને પુરતું પેટ્રોલ પુરાવી લઇએ છીયે. જાલુભાઇ વાણીયા, ઉડવા, મ.પ્ર

અન્ય સમાચારો પણ છે...