દાહોદ શહેરના નવજીવન ઉદ્યાનમાં સંગીત રેલાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરના વોર્ડ નં. 4 માં આવેલ ગોવિંદનગરના નવજીવન ઉદ્યાનમાં વહેલી સવારે ચાલવા આવનાર કસરતવીરો કાજે મનોરંજન હેતુ તંત્ર તરફથી સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ કાર્યાન્વિત થઇ છે. જેનું લોકાર્પણ આગામી પખવાડીયામાં દાહોદના સાંસદના હસ્તે સંપન્ન થશે.

ગોવિંદનગરમાં નવજીવન ઉદ્યાનમાં ગત વર્ષે જ સંસદસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક સહિતની સુવિધાનું દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને નવજીવન પરિવારના અગ્રણી કલ્પનાબેન શેઠના હસ્તે તા.16-7-’18 ના રોજ લોકાર્પણ થયું હતું. શહેરના હાર્દસમા આ ઉદ્યાનમાં તાજેતરમાં નિશ્ચિત અંતરે એક-એક સાઉન્ડ સિસ્ટમ ફીટ કરી તે દ્વારા અહીં મોર્નિંગ વોક કાજે આવનાર અને પતંજલિ યોગ કરનારા કે સંઘની શાખામાં આવનાર સહુ કોઈ સંગીતની વહેતી સરવાણીમાં તરબતર થતા રહે તેવા શુભાશયથી સુવિધાનો આરંભ કરાયો છે. પખવાડીયામાં દાહોદ સાંસદના હસ્તે લોકાર્પિત થનાર આ સુવિધા અંતર્ગત નવજીવન ઉદ્યાનમાં રૂ. 7,58,210 ના ખર્ચે કુલ મળીને લાઈટના 23 અદ્યતન પોલ બનાવાયા છે. જે પૈકી નિશ્ચિત અંતરે 16 જેટલા પોલ ઉપર આધુનિક સાઉન્ડ સિસ્ટમ અંતર્ગત 16 સ્પીકર્સ લાગ્યા છે. વધારામાં આ ઉદ્યાનમાં કોઈ ગ્રુપને નાના પાયે કોઈ જાહેર કાર્યક્રમ કરવા હશે બહારથી વધારાનો ખર્ચ કરી સિસ્ટમ ભાડે લાવવા બદલે વાયરલેસ માઈક પણ જોડી શકાશે તેવી સુવિધા છે. આ એક સ્થળે સફળતા પ્રાપ્ત થયા બાદ તંત્ર દ્વારા શહેરના અન્ય સ્થળે પણ સાઉન્ડ સિસ્ટમ વિકસાવાશે તેવું જાણવા મળ્યું છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સુવિધા શરૂ કરવામાં આવી


જે તે બીમારીની વધુ અસરકારક સારવારમાં કે દૂધ ઉત્પાદનમાં સારા લાભ મેળવવા માટે ગાયભેંસના તબેલામાં પણ સુમધુર ગીતસંગીત રેલાવતી સાઉન્ડ સિસ્ટમ અમલી બની છે ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો શારીરિક સ્વાસ્થ્ય માટે ચાલતી કે કસરત વખતે અન્ય વિચારો મન ઉપર હાવિ ન થાય તો ચાલવાની કસરતના વધુ ફાયદા સ્વભાવિક રીતે થાય છે. એટલા માટે જ સ્વાસ્થ્ય કેળવવા આવતા વ્યક્તિઓ પ્રફુલ્લિત રહે તેવો શુભાશય કેળવીને મહાનગરોમાં પણ આવી સાઉન્ડ સિસ્ટમની સુવિધા જે તે સ્થળોએ સંપન્ન થઇ જ છે.

_photocaption_દાહોદના નવજીવન ઉદ્યાનમાં સાઉન્ડ સિસ્ટમ કાર્યાન્વિત થઇ છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...