• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • ઉસરવાણ પાસે 15 દિવસ પૂર્વે પર્યટકોને ધમકાવી લૂંટનાર ત્રિપુટી ઝડપાઇ

ઉસરવાણ પાસે 15 દિવસ પૂર્વે પર્યટકોને ધમકાવી લૂંટનાર ત્રિપુટી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉસરવાણ ગામે પંદર દિવસ અગાઉ હેલીપેડ નજીક આવેલ પાંડવ વન તથા આજુબાજુના પ્રવાસન સ્થળોએ ફરવા આવેલા પર્યટકોને ડરાવી ધમકાવી તેઓની પાસેથી મોબાઇલ ફોન, સોનાની ચેન તથા મોટર સાયકલની લૂંટ કરનાર ટોળકીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે એલ.સી.બી. પો.સ.ઇ. પી.બી. જાદવને જરૂરી સુચના અને માર્ગદર્શન કરતા તેઓએ જીલ્લાના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. માહિતીના આધારે બસ સ્ટેશનથી યાદગાર ચોક તરફ એક હોન્ડા સાઇન મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો બેસી તારીખ 3 ઓગસ્ટના રોજ ચોરીનો મુદ્દામાલ લઇ દાહોદ તરફ આવનાર છે તેના આધારે ભગિની સમાજ ત્રણ રસ્તા પાસે વોચમાં ઉભા હતા.

તે સમય દરમિયાન દાહોદ બસ સ્ટેશન તરફથી ગોવિંદભાઇ મગનભાઇ ભુરીયા, રહે. વાંદરીયા, રામચંદ્ર નવલસીંગભાઇ નીનામા રહે. ગલાલીયાવાડ, પ્રમોદકુમાર નવલસીંગભાઇ નીનામા રહે. ગલાલીયાવાડ આવતા તેઓને મોટર સાઇકલ ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો પરંતુ તેઓએ મોટર સાયકલ ઉભી રાખી ન હતી. અને ભાગવા લાગ્યા હતા તેને કોર્ડન કરી આ ત્રણેય યુવકોને પકડી પાડ્યા હતા.

પકડાયેલ ત્રણેયની તલાશી લેતા મોબાઇલ ફોન નંગ 3 તથા ચાંદીની ચેઇન મળી આવી હતી. તલાશીમાં મળેલ મુદ્દામાલ બાબતે ઘનિષ્ઠ પુછપરછ કરતા ત્રિપુટીએ પંદરેક દિવસ અગાઉ ઉસરવાણ ગામે હેલીપેડ નજીક આવેલ પાંડવ વન તથા આજુબાજુના પ્રવાસન સ્થળોએ ફરવા આવતા પ્રવાસીઓને ડરાવી ધમકાવી લૂંટ ચલાવ્યાની કબૂલાત કરી હતી અને તે લૂંટમાં મોબાઇલ ફોન તથા કિંમતી ચીજવસ્તુઓ સહિતની ચીજો લૂંટી હોવાનું જણાવ્યું હતું.

ઝડપાયેલ ત્રિપુટી ગેંગની જો હજુ વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવે તો જિલ્લાના અન્ય લૂંટના પણ ભેદ ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ઉસરવાણ પાસે પંદર દિવસ પૂર્વે પર્યટકોને લૂંટનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી હતી. તસવીર સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...