તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદની બેન્ક ઓફ ઇન્ડીયામાં મધ્ય રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરના એસ.વી પટેલ રોડ સ્થિત બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં મધ્ય રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. આગમાં એસી, કમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઇ જતાં 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. લાશ્કરોએ દોડી આવીને આગને કાબૂમાં લીધી હતી. આગ પાછળનું કારણ શોર્ટસર્કિટ હોવાનુ અનુમાન લગાવાઇ રહ્યું છે.

દાહોદ શહેરના એસ.વી પટેલ રોડ ઉપર પેટ્રોલ પંપની સામે આવેલી બિલ્ડીંગના ત્રીજા માળે બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા આવેલી છે. રાતના 1.45 વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટ કે અન્ય કોઇ કારણોસર બેન્કમાં આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતાં સાડીના સેલ વાળા એક ભાઇએ ધુમાડા નીકળતા જોતા સૌ પ્રથમ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં બેન્કના મેનેજર હીરાલાલ સોલંકી પણ તાત્કાલિક દોડી આવ્યા હતાં. લાશ્કરોએ પાણીનો મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, તે પહેલાં જ ફેલાઇ ગયેલી આગમાં બેન્કના પાંચ એસી, છ કમ્પ્યુટર, અલાર્મ સિસ્ટમ, સીસી ટીવી, ફર્નીચર, સર્વર સહિતનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. બેન્કનું અગત્યનું રેકર્ડ છેલ્લા રૂમમાં મુકેલુ હોવાથી તે બચી ગયું હતું. સદભાગ્યે બેન્કનું મુખ્ય યુપીએસ પણ સલામત રહેતાં કર્મચારીઓએ હાશ અનુભવી હતી. આગની આ ઘટનામાં 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે.

ગુરૂવારે કામકાજ બંધ રહ્યું
આગને કારણે એસી અને કમ્પ્યુટર સહિતનો સામાન બળી ગયો હતો. બેન્કમાં પાણી-પાણી થઇ ગયું હતું. ઘટના પગલે બહારથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. ઘટનાના પગલે ગુરુવારે બેન્ક ઓફ ઇન્ડીયાની કામગીરી બંધ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...