દાહોદમાં ફોર્મ ચકાસણી બાદ 8 ઉમેદવારોના ફોર્મ માન્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ લોકસભા બેઠક માટે ઉમેદવારોના ભરાયેલ ફોર્મની ચકાસણીની કામગીરી આજે તા. 5 ના રોજ જીલ્લા ચુંટણી અધિકારી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને અને ચુંટણી જનરલ નિરીક્ષક (ઓબ્ઝવર) ડો. મીથ્રા ટી., નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, સંબંધિત ચુંટણી અધિકારીઓ કર્મચારીઓ અને ફોર્મ ભરનાર ઉમેદવારો, નિમાયેલ ટેકેદારોની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ તમામ ભરાયેલ ૧૫ ફોર્મની ઝીણવટભરી રીતે ચકાસણી કરી હતી. જેમાં ઉમેદવારે સમયમર્યાદામાં ફોર્મ ભર્યુ છે કે નહીં, જાતિનો દાખલો, મતદારયાદીમાં નામ, એફીડેવીટ વગેરે ચકાસ્યા બાદ ફોર્મ બાબતે અન્ય ઉમેદવારોને વાંધો છે કે નહીં તે જાણ્યા બાદ નિયમોનુસાર ફોર્મ ભર્યુ હોય તેવા ૮ ઉમેદવારોના ફોર્મ જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતા. જ્યારે એક ઉમેદવારના ફોર્મ અમાન્ય કરવામાં આવ્યું હતું. જ્યારે બે ડમી ઉમેદવારોના ફોર્મ આપોઆપ અમાન્ય ગણવામાં આવ્યા હતા.

ફોર્મ માન્ય કરવામાં આવ્યા હોય તેવા ઉમેદવારોમાં ભારતીય જનતા પક્ષના જશવંતસિંહ સુમનભાઇ ભાભોર, અપક્ષ ઉમેદવારો દેવધા સમસુભાઇ ખાતરાભાઇ તથા ડામોર મનાભાઇ ભાવસિંહભાઇ, હિન્દુસ્તાન નિર્માણ દળના કલારા રામસિંગભાઇ નાનજીભાઇ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગરાસીયા રમેશભાઇ નાથાભાઇ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બાબુભાઇ ખીમાભાઇ કટારા, બહુજન સમાજવાદી પાર્ટીના ભાભોર ધૂળાભાઇ દીતાભાઇ, ભારતીય નેશનલ જનતા દળના જગદીશ મણીલાલ મેડાનો સમાવેશ કરવામાં આવ્યોછે.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી ડમી ફોર્મ ભરનાર અમલીયાર શંકરભાઇ રૂપાભાઇ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ડમી ફોર્મ ભરનાર કિરીટકુમાર લલીતભાઇ પટેલના ફોર્મ તેમના પક્ષના મુખ્ય ઉમેદવારનુ ફોર્મ માન્ય થઇ જતા તેમના ફોર્મ તેઓની સહમતિથી અમાન્ય ગણવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય જનક્રાન્તિ પાર્ટી તરફથી ફોર્મ ભરનાર સંગાડા ઇન્દુબેન નાથુભાઇએ નિયમોનુસાર ૧૦ દરખાસ્તો સાથે ફોર્મ ભર્યુ ન હોઈ તેમનું ફોર્મ પણ અમાન્ય કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...