તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીરાખેડીમાં ગોળી ધરબી હત્યા કરીને ફેંકી દેવાયેલો યુવકનો મૃતદેહ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ: દાહોદ શહેર નજીક આવેલા મીરાખેડી ગામમાં ગોળી ધરબીને હત્યા કરીને ફેંકી દેવાયેલો રૂપાખેડા ગામના યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ યુવકની લાશ પાસેથી કારતુસના ખાલી ખોખા સાથે તેના ગજવામાંથી પણ એક બુલેટ અને 14 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતાં. યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે જાણવા મળ્યું નથી. 


જમણા પગનાં સાથળના ભાગે ગોળી મારેલી મળી લાશ 


ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામના તળાવ ફળિયામાં રહેતાં પારસિંગભાઇ ભલાભાઇ ભુરિયા 19મી તારીખની સવારે ઘરેથી બાઇક લઇને નીકળ્યા હતાં. ત્યાર બાદ રાતના સમયે તેમનો મૃતદેહ મીરાખેડી ગામના તળ ફળિયામાં રોડથી દસ મીટર અંદરના ભાગે ઝાડી સ્થિત ખાડામાંથી મળી આવ્યો હતો. પારસિંગભાઇના જમણા પગની સાથળ ઉપર ગોળી મારવામાં આવી હતી. હત્યારાઓએ લાશને ધસડવા માટે તેમના ગળા સાથે પેટના ભાગે પણ રૂમાલ વીટાળેલો જોવા મળ્યો હતો. પારસિંગભાઇના બનિયનનું ખીસ્સુ તપાસતાં તેમાંથી રોકડા નવ હજાર મળી આવ્યા હતાં. 


ઘસડીને રોડથી દસ મીટર દૂર ખાડામાં નખાઇ


આ સાથે પેન્ટના ખીસ્સામાંથી ‘શક્તિમાન 12 ’ લખેલી બંદૂકની એક ગોળી અને બીજા લોહી વાળા થઇ ગયેલા પાંચ હજાર રૂપિયા મળ્યા હતાં. તેમજ લાશ નજીકથી એક બાર બોરનું કારતુસનું ખાલી ખોખુ પણ મળી આવ્યું હતું. આ બનાવ અંગે મૃતક પારસિંગભાઇના ભાઇ સોમજીભાઇ ભુરિયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કોણે અને કયા કારણોસર કરી તે પાછળ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. હત્યા તેમજ પુરાવના નાશનો ગુનો દાખલ કરીને પીએસઆઇ પી.એમ જુડાલે આગળની તપાસ શરૂ કરી છે. 


લોહી વધુ વહી જતાં મોત થયું 


પારસિંગભાઇને સાથળમાં ગોળી મારી હોવાથી તેમને વધુ લોહી વહી ગયું હતું. લીમડી ખાતે કરાયેલા પેનલ પોસ્ટ મોર્ટમમાં શરીરે ઇજાના અન્ય કોઇ નીશાન મળ્યા ન હતાં. વધુ લોહી વધી જવાને કારણે મોત થયું હોવાનું કારણ પોસ્ટ મોર્ટમ દરમિયાન સામે આવ્યું હતું. 


મૃતદેહ એક્સરે માટે દાહોદ લવાયો 


સાથળમાં ગોળી વાગેલી મૃત અવસ્થામાં મળી આવેલા પારસિંગભાઇનું એક્સરે કરાવવા માટે તેમનો મૃતદેહ દાહોદ લાવવામાં આવ્યો હતો. રહસ્યમય બનાવ હોવાથી ખરેખર ગોળી જ વાગેલી છે કે પછી અન્ય કોઇ હથિયારથી ઘા કરાયો કે મૂઢ માર મારવામાં આવ્યો તે સહિતની વિવિધ બાબતો જાણવા એક્સરે કરાવાયું હતું. ત્યાર બાદ મોતનું કારણ જાણવા લીમડીમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાયું હતું. 


બાઇક રૂખડીથી બીનવારસી મળી 


પારસિંગ પોતાના કુટુંબી પરેશભાઇ ભુરિયાની જીજે-06-સી-2004 નંબરની બાઇક ફેરવવા લઇને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે શોધખોળ દરમિયાન આ બાઇક એકાદ કિમી દૂર આવેલા રૂખડી ગામેથી બીનવારસી મળી આવતાં પોલીસે કબજે લીધી હતી.