સા’બ, ઝાડ ગીર રહા હૈ, સાંભળી જે દિશામાં બચવા દોડ્યા ત્યાં જ પડ્યું ઝાડ, રસ્તા પર લોહીનું ખાબોચિયું ભરાયું

divyabhaskar.com

Nov 21, 2018, 08:49 AM IST
tree fall down on officer died on the spot in dahod

દાહોદઃ દાહોદમાં ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં સૂકાઇ ગયેલા ઝાડ નજીકથી પસાર થઇ રહેલા વીજ વાયરો પર ન પડે તે માટે કાપવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન ઝાડ અધિકારીના માથે પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવના પગલે ઉપસ્થિત અધિકારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. નોંધનીય છે કે અધિકારી ત્રણ મહિના બાદ જ નિવૃત્ત થવાના હતા.

રાહદારીઓને તકલીફ ન પડે તે માટે કાપવામાં આવી રહ્યું હતું ઝાડ

મંગળવારની સવારે ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં ગંદા કૂવા નર્સરીની પાસે આશરે 50 ફૂટ ઊંચાઈ ધરાવતા સૂકાઈ ગયેલું નીલગીરીનું ઝાડ નજીકથી પસાર થતાં વીજ વાયરો ઉપર પડે તેવી શક્યતાના પગલે તે કાપવાનું કામ હાથ ઉપર લેવાયું હતું. અન્ય કર્મચારી આ ઝાડને કટરથી કપવાનું કામ કરી રહ્યા હતાં. તે દરમ્યાન બાજુમાં રસ્તા ઉપરથી આવાગમન કરતા રાહદારીઓને તકલીફ ન પડે તે અને ઝાડ પડે તો કોઇ અકસ્માત ન સર્જાય તે હેતુથી એસ.એસ.ઇ ધર્મેન્દ્રભાઇ ખુદ ટ્રાફિક સંચાલન કરી રહ્યા હતા.

જે દિશામાં દોડ્યા ત્યાં જ પડ્યું ઝાડ
તે સમય દરમ્યાન જ કપાઈ ચુકેલું ઝાડ મૂળના ભાગેથી થડમાંથી છુટું થઇ જતાં એક કર્મચારીએ સા’બ, ઝાડ ગીર રહા હૈ તેવી બૂમ પાડી હતી. આ બૂમ સાંભળીને ધર્મેન્દ્રભાઇ બચવા માટે દોડ્યા હતાં તે દીશમાં આ ઝાડ તેમની ઉપર જ પડતાં માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં તેઓ બેહોંશ થઈ રસ્તે ઢળી પડ્યા હતા. ઇજાને કારણે આખા રસ્તે લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું. આ ઘટનાથી ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવને લઈને રેલકર્મીઓના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટયાં હતા. બાદમાં એમ્બ્યુલન્સમાં ધર્મેન્દ્ર ખાનવંશીને રેલ્વે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ નિયુક્ત તબીબોએ તેમને મૃત ઘોષિત કરતા રેલવે હોસ્પિટલ પરિસરમાં શોક ફેલાઈ ગયો હતો.

ત્રણ વર્ષ બાદ નિવૃત થવાના હતાં
આશરે 55 વર્ષીય ધર્મેન્દ્રભાઈ ખાનવંશી અપરણિત હતા. ત્રણેક વર્ષ બાદ તેઓ નિવૃત્ત થનાર હતા. તેઓ ગોધરારોડ સ્થિત જય માતાદી સોસાયટીમાં પથારીવશ વિધુર પિતાજી તુલસીદાસ અને ભાઈ, અરવિંદભાઈના પરિવાર સાથે રહેતા હતા. પિતા તુલસીદાસના સ્વશ્રી ધર્મેન્દ્રભાઈ સાથે કુલ 4 સંતાનો છે જે ચારે રેલવેમાં જ ફરજ બજાવે છે.

ઘટના સ્થળે દોડેલા ભાઇઓનું આક્રંદ
ધર્મેન્દ્રભાઇ સાથે અકસ્માત થયાની ઘટનાની જાણ થતાં બંને ભાઇઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ત્યાં ભાઇને લોહીમાં લથપથ જોઇને બંને ભાઇ રડી પડ્યા હતાં. એમ્બ્યુલન્સ આવતાં પહેલાં ગંભીર રૂપે ઘવાયેલા ભાઇનો શ્વાશ ચાલે છે કે નહીં તે અંગેની તપાસ કરી હતી. અજુગતી ઘટનાની જાણ થઇ જતાં મોટાભાઇ પોક મુકીને રડી પડ્યા હતાં.

X
tree fall down on officer died on the spot in dahod
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી