દાહોદ: ધાનપુર તાલુકાના વાંસિયાડુગરી રેન્જમાં આવેલા ભામણ ગામે ખેતરમાં દિપડાએ મહિલાના મોત નીપજાવ્યા બાદ જંગલ વિસ્તારમાં રહેતાં લોકોના માનસપટ ઉપર માનવભક્ષી દિપડો જ છવાયેલો છે. દિવ્ય ભાસ્કરે શનિવારની રાત્રે જંગલ અને આ ગામની મુલાકાત લેતાં સ્વાભાવિકપણે ભેંકાર ભાસવા સાથે લોકોના મનમાં ઘર કરી ગયેલો દિપડાનો ભય પણ જોવા મળ્યો હતો. ભામણ ગામમાં જંગલ વિસ્તારમાં 1500 લોકોની વસ્તિ છે. આ ગામમાં છુટ્ટા છવાયા ઘરો છે. તપાસ વેળા સંખ્યાબંધ ઘરોમાં તાળા ઝુલતાં જોવા મળ્યા હતાં.તેમાં કેટલાંક લોકો પરગામોમાં મજુરી કામે ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં જે લોકો પરિવાર સાથે હિંમત દાખવીને રહે છે તે પણ રાત્રે અર્ધજાગ્રત અવસ્થામાં જ ઉંઘે છે.
ઘરની બહાર સામાન્ય અવાજ થતાં પણ તેઓ જાગીને બહાર ડોકિયું કરતાં થઇ જાય છે. ઘણા એવા લોકો છે જેમના પાકને પાણીની જરૂર છે પણ પાણી વાળવા જઇ શકતા નથી. ફફડતો હૈયે હથિયાર સાથે રાખીને ખેતરે લટાર મારવા જાય છે પણ ત્યાં રોકાતા નથી. જંગલમાં ઢોરો ચરાવવા જનારા લોકો તો બંધ જ થઇ ગયા છે. રાત્રે અહીં રહેતાં પરિવારોની મુલાકાત લેતાં તેમણે દિવસ કરતાં રાત્રે દિપડાનો ભય સૌથી વધુ સતાવતો હોવાનું જણાવ્યું હતું.
19 દિપડાનો વસવાટ
દાહોદ જિલ્લાના જંગલમાં 40થી વધુ દિપડા હોવાનું કહેવાય છે. જ્યારે આ ઘટના બની છે તે વાંસિયાડુંગરી રેન્જમાં 19 દિપડા વસવાટ કરી રહ્યા છે. આ દિપડા પૈકીનો એક માનવભક્ષી બનતાં લોકોમાં ભય ફેલાયેલો છે.
ભામણમાં જ ફુટપ્રિન્ટ મળતાં ભય અકબંધ
માનવભક્ષી દિપડો ભામણ વિસ્તારમાં જ ફરી રહ્યો છે. દિપડો અડીને આવેલા મ. પ્ર.ના જંગલમાં જઇને પણ મારણ કરી રહ્યો છે. ત્યાંથી પરત આવતાં ફુટપ્રિન્ટ ભામણના જંગલમાં જોવા મળે છે. જેથી શુક્રવારે મુકેલા પાંજરાનું સ્થળ બદલીને જંગલમાં ત્રણ રસ્તા પડે છે ત્યાં એક કિમી દૂર મુકવામાં આવ્યું હતું.
દિપડો ભરાઇ ના માટે તાડપત્રીથી ઘર ઢાંક્યું
અમારા વિસ્તાર સાથે ત્રણ લોકોને દિપડો ખાઇ ગયો છે. અમારા ઘર તરફ પણ આવીને નુકસાન કરે તેવી દહેશત છે. અમારૂ ઘર નવુ બનતુ હોવાથી જાળી નથી. દિપડોઘરમાં ભરાઇ ન જાય માટે રાત્રે આખા ઘરને તાડપત્રીથી ઢાંકીને ઉંધીયે છીયે.-સવજીભાઇ પરમાર,ભાણપુર