દાહોદ: મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલા દાહોદ તાલુકાના રવાલીખેડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્થાનિક જ નહીં બલકે મધ્ય પ્રદેશના બે ગામોમાં રહેતાં 94 બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. ઘર આંગણાની શાળા છોડીને આ બાળકો બે કિમી સુધી પગપાળા ચાલીને અભ્યાસની ભુખ સંતોષવા અહીં આવે છે. તેમના ગામોમાં આવેલી શાળામાં શિક્ષણનું સ્તર નીચુ હોવાથી સારૂ ભણતર પ્રાપ્ત કરવાની જીદ તેમને અહી સુધી ખેંચી લાવે છે. દાહોદ તાલુકાના રવાલીખેડા ગામથી અડધો કિમી દૂર મધ્ય પ્રદેશ રાજ્યની બોર્ડર શરૂ થઇ જાય છે. આ ગામમાં ધોરણ 1થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં 461 બાળકો અભ્યાસ કરે છે.
બાળકો દરરોજ બે કિમી ચાલીને આવે છે
આ શાળાની વિશેષતા એ છે કે તેમાં આ ગામના જ નહીં બલકે પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના ગ્વાલી અને દેમારા ગામના બાળકો પણ અભ્યાસ કરે છે. ગ્લાવી અને દેમારામાં 1થી 5 ધોરણ સુધીની શાળાઓ છે પરંતુ ત્યાં શિક્ષણ સારૂ ન હોવાને કારણે ઘર આંગણાની શાળાને છોડીને આ બાળકો દરરોજ બે કિમી ચાલીને અહીં અભ્યાસની ભુખ સંતોષવા માટે આવે છે. અહીં અભ્યાસ માટે આવતાં મોટા ભાગના બાળકોના માતા-પિતા મજુરી કામ માટે પરગામોમાં ગયેલા છે. ગુજરાતની બોર્ડરથી બે કિમી દૂર આવેલા ગ્લાવી અને દેમારા ગામમાં હિન્દી ભાષા બોલાય છે. હિન્દી કલ્ચરમાં રહેતાં બાળકો રવાલીખેડાની શાળામાં આવ્યા બાદ ગુજરાતી ભાષા પણ સડસડાટ બોલે છે.
બાળકો રોજ ગુજરાતમાં ભણવા અાવે છે
મધ્યપ્રદેશના બન્ને ગામોમાં શાળાઅોતો છે જ પણ શિક્ષણનું સ્તર કથળેલું છે. અાથી અા બાળકો રોજ ગુજરાતમાં ભણવા અાવે છે. લાંબી મંજલમાં નાનકડા વિદ્યાર્થીઓેને પડતી યાતનાઓનો ચિતાર મેળવવા દિવ્ય ભાસ્કરની ટીમે પણ તેમની સાથે કદમ મિલાવ્યા. સવારે 10:45 વાગે ગામની જુદી-જુદી શેરીઓમાંથી એક પછી એક વિદ્યાર્થીઓ હાથમાં દફતર લઇને ડોકાયા. કેટલાક સ્કૂલ યુનિફોર્મમાં હતા તો કેટલાક સાદા ડ્રેસમાં, લધર વધર કપડાં પહેરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના ઉઘાડા પગે હતાં. કોઇકે તો મોટી સાઇઝના સ્લીપર ચઢાવ્યા હતાં. શાળાનો સમય બપોરે 12 વાગ્યાનો હતો પણ તેમની મુસાફરી તો દોઢ કલાક પહેલાંજ શરૂ થઈ હતી.
બે દિવસ પહેલાં સોમવારે વરસાદ આવતા અમે બધા તેની નીચે ભરાઇ ગયા
ધો. 5માં અભ્યાસ કરતા વિપુલ સંગાડા, નરેશ સંગાડા, ઇલેશ સંગાડા અને ધો. 2નો વિદ્યાર્થી એલીસ સંગાડા બાવળની ઝાડીઅો વચ્ચે ઉબડ ખાબડ રસ્તા પર કાલીઘેલી ભાષામાં મન ખોલીને વાતો કરી રહ્યા હતાં. તમામના માતા-પિતા મજૂરીએ જતા હોઇ છે પણ નરેશના ઘરે કોઇ ન હોવાથી તેનો ભાઇ રોહિત પણ તેની સાથે સ્કૂલમાં બેસવા જઇ રહ્યો હતો પણ રસ્તા પર તેની ધીંગામસ્તી વધતા મોટોભાઇ નરેશ લાડથી સમજાવી રહ્યો હતો. આ સમયે અર્જુને બાવળ બતાવીને કહ્યું બે દિવસ પહેલાં સોમવારે વરસાદ આવતા અમે બધા તેની નીચે ભરાઇ ગયા હતા, માત્ર કપડા અને દફતર પલડ્યા પણ ચોપડા બચી ગયા હતાં ત્યારે એલીસે તો આ રસ્તે મોટો સાપ પણ જોયો હતો અને સાપ આવે તો ઝાડીથી દૂર રસ્તા પર જતા રહીએ છીએ અને તેમને કોઇ ડર નથી લાગતો તેવી વાત કરી હતી.
બે હાથ વચ્ચે શિક્ષણની મહામૂલી મૂડી પકડીને શાળા તરફની સફર
ઉજ્જડ રસ્તાઅો ઉપર ઝાડી-ઝાંખરાંઅો વચ્ચે અા બાળકો હસતાં-રમતાં 2 કિ.મી.નું અંતર કાપીનાખે છે. પરસેવે રેબઝેબ થાય તો ખમીસની બાંયથી પરસેવો લૂછી લે છે. રૂમાલ અહીં લક્ઝરી ગણાય છે. પગમાં સ્લીપર ન હોય ત્યાં અાખો યુનિફોર્મ પૂરો હોય તેવી અપેક્ષા પણ ન રાખી શકાય પણ અાવા અભાવો અાશાને મારી શકતા નથી. સાચા શિક્ષણની અાશાઅે અા બાળકો રોજ સરહદ પાર કરીને શાળાઅે પહોંચી જાય છે.
ભૂખ્યા પેટે 2 Km પગપાળા પ્રવાસ
સૌથી મહત્વની વાત તો એ છે કે, શાળામાં જ જમવાનું મળતું હોવાથી આ બાળકો ઘરેથી જમ્યા વગર જ 2 કિલોમીટરનું અંતર પગપાળા જ કાપે છે. મોઢા પર થયેલો પરસેવો અને થાકને અવગણીને તેઓ ગલ્લા પાસે ઊભેલા જૂના પાણી ગામના અન્ય સહપાઠીઓ સાથે ઉત્સાહભેર ભળી ગયા હતાં.
ત્યાં ભણાવતાં નથી એવું કહી વાલી મુકી જાય છે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...