ખંભાતની વૃદ્ધાંને છેતરી રિક્ષામાં વાસણા લઇ જઇ 2 મહિલાએ બંગડી સેરવી લીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : ખંભાત શહેરમાં ત્રણબત્તી વિસ્તારમાં શાકભાજી લઇ આવી રહેલાં વૃદ્ધાંને એક રિક્ષા ચાલક અને બે મહિલાએ છેતરી વાસણા લઇ જઇ બે બંગડી કઢાવી લીધી હતી. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે બે મહિલા સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાતમાં મિલની ચાલી વિસ્તારમાં રહેતાં કમળાબહેન જેન્તીભાઈ રાણા (ઉ.વ.75) શાકભાજી લાવી વેચે છે. તેઓ સવારે ત્રણબત્તી વિસ્તારમાં હતાં તે દરમિયાન તેમની પાસે એક રિક્ષામાં બે મહિલાઓ આવી હતી.
રિક્ષાચાલકે કમળાબહેનનું શાકભાજીનું તગારું લઇ લીધું હતું અને ‘તમારાં દીકરાની વહુ બીમાર છે. તમને લેવા આવ્યાં છીએ’, તેમ કહી રિક્ષામાં બેસાડી દીધાં હતાં. જોકે, રિક્ષાચાલક તેમને વાસણા ગામ નજીક લઇ ગયો હતો. જ્યાં બે મહિલા અને કમળાબહેનને ઊતારી જતો રહ્યો હતો. બીજી તરફ કમળાબહેન સાથે ઊતરેલી મહિલાઓએ વાસણા ગામે લઇ જઇ બીક બતાવી બંને હાથે પહેરેલી સોનાની 2 બંગડી કિંમત રૂ.40,000 ઊતારી ફરાર થઇ ગયાં હતાં. આ બનાવ અંગે કમળાબહેને ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે બે મહિલા અને અજાણ્યાં રિક્ષાચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો.’