વિદ્યાનગર GIDCમાં થયેલી ચોરીમાં બે ઝડપાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી મેગ્નેટો ઇન્ડક્શન પ્રા.લિ.માં ગયા સપ્તાહ દરમિયાન કોપરના વાયર ૧પ૦ કિલોની ચોરી થઈ હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં પૂર્વ કર્મચારીની સંડોવણી ખુલી હતી. જેની પાસેથી પોલીસે કોપર કબજે કરી અન્ય સાગરિત સાથે ધરપકડ કરી છે, જ્યારે વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

વિદ્યાનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઢોલે જણાવ્યું હતું કે 'મેગ્નેટો ઇન્ડક્શન પ્રા.લિ. કંપનીના સ્ટોર રૂમમાં મુકેલાં કોપરનાં સ્ક્રેપ (વાયર) આશરે ૧પ૦ કિલો કિંમત રૂ.૬૦,૦૦૦ની અજાણ્યાં શખસોએ સ્ટોર રૂમની જાળી ઉપર ચઢી અંદર પ્રવેશ કરી ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે હર્ષદભાઈ સુથારની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સ્કૂટર પર બે શખસ કોપરના વાયર વેચવા નીકળી રહ્યાં છે, જે બાતમી આધારે જનતા ચોકડી પાસે વોચ ગોઠવી બે શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જેમાં તે હિ‌તેશ ઉર્ફે જગદીશ પરશોત્તમ અને શૈલેષ શાંતિ ચાવડા (રહે.વિદ્યાનગર) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને શખસ પાસે મળી આવેલા ૧૧૦ કિલો કોપરની પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડયાં હતાં અને મેગ્નેટો ઇન્ડક્શન પ્રા.લિ.માંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ ગુનામાં હિ‌તેશ અગાઉ કંપનીમાં ફરજ બજાવી ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું હતુ. હાલ આ બન્ને શખસ સાથે ચોરીમાં અન્ય કોઈ હતું કે કેમ ? તથા વધુ મુદ્દમાલ જપ્ત કરવા માટે બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.