વારલી ચિત્રકાળને સતાવી રહ્યો છે ભૂંસાઈ જવાનો ભય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આધુનિક જીવન પ્રણાલીમાં દિવસે દિવસે ભારતીય સંસ્કૃતિ ભુલાઈ રહી છે. તેમાંય ખાસ કરીને ચિત્રકળામાં 'વારલી પેન્ટિંગ’ પણ પોતાની આગવી લાક્ષણીકતા ગુમાવી રહી છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિ‌ટીના મ્યુઝિયમ વિભાગમાં તાજેતરમાં 'વારલી પેન્ટિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે મ્યુઝિયમ વિભાગના વડા અમોલ મોહિ‌તેએ જણાવ્યું હતું કે 'ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર વસવાટ કરતી આદિવાસી પ્રજા 'વારલી’ના નામે ઓળખાય છે. તેઓ ખૂબ જ સચોટ અને પ્રસંગાનુંરૂપ ચિત્રોનું નિર્માણ કરે છે. આજના ઝડપી યુગમાં વારલી પ્રજાતી ધીરે ધીરે પોતાની આગવી લાક્ષણીકતા ગુમાવી રહી છે. પોશાક તેમજ રીતભાતમાં આધુનિકતાનો ઉમેરો થવાથી વારલી પ્રજા પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવી રહી છે. તેમની અનેરી રીતભાતના પ્રતિકસમી અનોખી ચિત્રકળા 'વારલી ચિત્રકળા’ના નામે જાણીતી છે. જેનાં પર પણ આધુનિક રીતભાતની અસર જોવા મળી રહી છે.’

આ સંદર્ભે પ્રતિવર્ષ દેશભરના વિવિધ મ્યુઝિયમમાં ૭થી૧૪ જાન્યુઆરી દરમિયાન 'મ્યુઝિમય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે, જેનાં ભાગરૂપે સરદાર પટેલ યુનિવર્સિ‌ટીના મ્યુઝિયમ વિભાગ દ્વારા 'મ્યુઝિયમ સપ્તાહ ૨૦૧૩’ અંતર્ગત આદિવાસી ચિત્રકળા પર આધારિત 'વારલી પેન્ટિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ. પટેલ આટ્ર્સ કોલેજના ઈતિહાસ વિભાગના ૨પ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. કાગળ, કાપડ અને માટીનું વાસણ એમ ત્રણ જુદાં જુદાં માધ્યમો પર વારલી કળાનો અભ્યાસ કર્યો હતો.

વારલી ચિત્રકળા એટલે શું ?

'વારલી ચિત્રકળા મૂળભૂત રીતે ચોખાના લોટની પેસ્ટ વડે ગેરૂથી રંગેલી દીવાલ પર દોરવામાં આવે છે, જ્યારે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તે સમયે વારલી લોકો ઘરની મુખ્ય દીવાલ પર ચિત્રકળા દ્વારા સુશોભનનું કાર્ય કરે છે. 'વારલી આર્ટ’ પર રિસર્ચ દરમિયાન વારલી આદિવાસીઓ સાથે બે મહિ‌ના સુધી વસવાટ કર્યો હતો, ત્યારે જ આ કળામાં પારંગત બન્યાં હતાં. કેટલાક વર્ષ પછી કદાચ વારલી પ્રજા લૂપ્ત થઈ જશે, પરંતુ તેઓ તેમની આગવી ચિત્રકળામાં હંમેશા જીવંત રહેશે. આ કળાને વધુમાં વધુ લોકોને શીખવીને તેને લુપ્ત થતી બચાવવા પ્રયત્ન હાથ ધરાયો છે.’
-સુપ્રિયાબહેન, ફ્રિલાન્સ મ્યુઝ્યોલોજિસ્ટ, મુંબઈ.