બોરસદના ભાદરણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં ત્રણના કરુણ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરણ - ગંભીરા રોડ પર લાકડાં ભરેલા ટ્રક અને કેરી ભરેલાં ટ્રક વચ્ચે સર્જા‍યેલો અકસ્માત
બોરસદ તાલુકાના ભાદરણ - ગંભીરા રોડ પર રવિવારના રોજ લાંકડા ભરેલી ટ્રક અને કેરી ભરેલી ટ્રક સામસામે ધડાકાભેર અથડાતાં બન્ને ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત મુસાફર તરીકે સવાર અન્ય એક વૃદ્ધે પણ અકસ્માતે જીવ ગુમાવ્યો હતો. આ અંગે ભાદરણ પોલીસે અકસ્માત સર્જનાર લાકડાં ભરેલી ટ્રકના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભાદરણ પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, ભાદરણ - ગંભીરા રોડ પર કીંખલોડ ચોકડી ગંભીરા તરફ લાકડાં ભરેલી ટ્રક નં.જીજે ૨૩ વી પ૮પ૮ આવી રહી હતી. મધરાતે ૨-૧પ વાગ્યાની આસપાસ ટ્રકના ચાલકે અચાનક જ રોંગ સાઈડે ટ્રક હંકારી દીધી હતી. જેને કારણે સામેથી કેરી ભરી આવી રહેલી ટ્રક નં. જીજે ૪ વી ૪૧૬પ સાથે ધડાકાભેર અકસ્માત સર્જા‍યો હતો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે સ્થળ પર જ કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં ભાદરણ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.સી. પરમાર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં અને તપાસની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે તપાસ અધિકારી એ.સી. પરમારે જણાવ્યું હતું કે 'ભાદરણ - ગંભીરા રોડ પર બે ટ્રક વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક અરવિંદ પૂનભાઈ પરમાર (ઉ.વ.૩૪, રહે. નાપાડ) ઉપરાંત સામેથી આવી રહેલી ટ્રકના ચાલક કાન્તીભાઈ દામજીભાઈ વેગડ (ઉ.વ.૩પ, રહે. ટાણા, તા. સિહોર, જિ.ભાવનગર) અને તેમાં સવાર દેવજીભાઈ પરશોત્તમભાઈ સોલંકી (ઉ.વ.૬૦, રહે. ભાવનગર)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, આ અકસ્માત સર્જા‍યો તે સમયે પાછળથી ત્રીજી ટ્રક પણ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ભૂપતભાઈ ભૂરાભાઈ ચુડાસમા (રહે.ભાવનગર)ની ફરિયાદ આધારે લાકડાં ભરેલી ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે.’