વિદ્યાનગરમાંથી આઇપીએલ ઉપર સટ્ટો રમાડતાં બે ઝડપાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરમાં મોટા બજાર ખાતે એક ફલેટમાં આઇપીએલ ઉપર સટ્ટો રમાડતાં બે ઇસમ ૩૭ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયાં હતાં. પોલીસના જણાવ્યાં મુજબ વિદ્યાનગર મોટા બજારમાં રૂદ્રાક્ષ કોર્નર ફલેટ નંબર ૨૦૫માં બે ઇસમો આઇપીએલની મુંબઇ ઈન્ડિયન વિરૂદ્ધ કલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે ચાલતી મેચ ઉપર સટ્ટો રમાડતાં હોવાની બાતમી આધારે વિદ્યાનગર પોલીસે મંગળવારે રાત્રે છાપો માર્યો હતો.

જેમાં વિદ્યાનગરમાં હરીઓમ નગર ખાતે મકાન નંબર ૪૯૫માં રહેતા બ્રિજેશભાઇ સંજયભાઇ પટેલ અને વિદ્યાનગરમાં રત્ના મોટર્સની પાછળ પ્રભુદાસ બંગલામાં રહેતા ઉમેશ ઉર્ફે ભૂરિયો ઉર્ફે લાલો કા.પટેલ ક્રિકેટ ઉપર સટ્ટો લેતાં ઝડપાઇ ગયાં હતાં. પોલીસે તેઓની પાસેથી કુલ ૩૭૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

પેટલાદમાં વરલી મટકાનો જુગાર પકડાયો
પેટલાદ તાઇવાડામાં કેટલાક ઇસમો આંક ફરકનો જુગાર રમતાં હોવાની બાતમી આધારે પોલીસે છાપો મારી પેટલાદના મહેબુબમિંયા ઇસ્માઇલમિંયા શેખને ૨૯૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આંક ફરકનો જુગાર રમતાં ઝડપી લીધો હતો.

સોજિત્રામાં પત્તા પાનાનો જુગાર રમતાં બે ઝડપાયાં
સોજિત્રા તાલુકાના કાસોર ખાતેથી બાતમી આધારે પોલીસે પત્તા પાનાનો જુગાર રમતાં કાસોરના ઘનશ્યામ સોમા પરમાર અને સોમાભાઇ બાબરભાઇ પરમારને ઝડપી લીધાં હતાં. જ્યારે અદેસિંહ વજેસિંહ મહિડા, મેલાભાઇ સબુરભાઇ મહિડા અને મલાતજનો રાજુ હરી પટેલ ફરાર થઇ ગયો હતો. સોજિત્રા પોલીસે ૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે ગુનો નોંધ્યો હતો.