પીપળાવના તમાકુના વેપારીની હત્યા : લાશ ઇસણાવથી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોજિત્રા તાલુકાના પીપળાવ ગામના તમાકુ લે-વેચનો ધંધો કરતાં યુવકની ગત રાત્રે કોઇ ઇસમે કાવતરૂ રચી હત્યા કરતાં ચકચાર મચી છે. હત્યારાએ માથામાં કોઇ તિક્ષ્ણ હથિયારનો ઘા મારી મોત નિપજાવી લાશ ઇસણાવ સીમમાં નાખી દીધી હતી.

સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામની સીમમાં બળિયાદેવ મંદિર પાછળ ખુલ્લા મેદાનમાં એક લાશ પડી હતી. ગામના લોકોને આ બાબતની જાણ થતાં સોજિત્રા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી. મૃતકના માથામાં પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારનો ઘા મારવામાં આવેલ હોઇ હત્યા થઇ હોવાનું જણાઇ આવતાં પોલીસે લાશના વાલીવારસોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં મૃતક પીપળાવ ગામના ૪૦ વર્ષના પિનાકિનભાઇ ચંદુભાઇ પટેલની હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પિનાકિન તમાકુનો ધંધો કરતો હતો

પીપળાવ ગામનો ૪૦ વર્ષનો પિનાકિન છેલ્લા કેટલાક સમયથી તમાકુ લે-વેચનો ધંધો કરતો હતો. ગામના તેમજ આજુબાજુના ગામના ખેડૂતોની તમાકુની ખરીદી કરતી મોટો જથ્થો તે મોટા વેપારીને આપતો હોવાનું તેના ભાઇ જયેશે પોલીસને જણાવ્યું હતું.

હત્યા માટે કાવતરુ રચાયું

પોલીસે જયેશભાઇ સહિ‌તના સંબંધીઓની પુછપરછ કરી હતી, જેમાં રવિવારે રાત્રે આઠ વાગ્યા પછી પિનાકિન ઉપર કોઇનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યકિતએ તેને બોલાવતાં તે થોડીવારમાં આવું છુ કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સવારે તેની લાશ મળી હતી. જેથી કોઇએ તેની હત્યા કરવા માટે જ તેને ઇરાદા પૂર્વક બોલાવી હત્યા કરી હોવાનું જણાઇ આવ્યું છે.

પોલીસના જણાવ્યાં મુજબ રાત્રે પિનાકિનના મોબાઇલ ફોન ઉપર કોઇનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તે ઘરેથી નીકળ્યો અને તેની હત્યા થઇ હતી. મૃતકના મોબાઇલ ફોનની કોઇ ડિટેઇલ કઢાવી તેના આધારે ફોન કરનાર કોણ હતો અને તેણે કયા કારણથી ફોન કર્યો ? તેની તપાસ શરૂ કરાઇ છે.