ચરોતરમાં તાપમાન ૩૦ ડિગ્રીને પાર : બપોર આકરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સિસ્ટમ કમજોર પડતાં તાપમાનનો પારો વધ્યો

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત વધતાં ઠંડીનું જોર ઘટયું છે. તાપમાન નોર્મલ કરતાં ઊચું જતાં ઠંડીનું પ્રમાણ એકદમ ઘટી જવા પામ્યું છે. દિવસના હવે ગરમી અનુભવાતાં પંખા ચાલુ કરવાની ફરજ પડે છે. આગામી સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અને પુન: ઠંડી શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૧૪.૭ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૯૬ ટકા પવનની ગતિ ૦.૮ કિમી પ્રતિ કલાક અને દિશા સ્થિર નોંધાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત વધતાં ઠંડીનું પ્રમાણ એકદમ ઘટી જવા પામ્યું છે. દિવસના ગરમી થતાં લોકોને પંખા ચાલુ કરવાની ફરજ પડી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉ. વ્યાસ પાંડેએ જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પડતાં તાપમાનનો પારો વધી રહ્યો છે. રાત્રિના તાપમાનનો પારો ૧૪થી ૧૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. જેના કારણે ઠંડી એકદમ ઓછી થઈ ગઈ છે. જોકે બે-ત્રણ દિવસ બાદ વાદળો આવવા સાથે છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ પુન: ઠંડીનો ચમકારો વર્તાશે.’

બે દિવસ બાદ છુટોછવાયો વરસાદ થવાનો વર્તારો
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના વડા ડૉ. વ્યાસ પાંડેએ જણાવ્યું હતું કે ‘બે દિવસ બાદ આણંદ-ખેડા જિલ્લામાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ શકે છે. તેમ જ આણંદ-ખેડા જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવા સાથે છુટોછવાયો સામાન્ય વરસાદ થઈ શકે છે. ત્યારબાદ પુન: ઠંડીનો માહોલ જામશે.’