અરિબાસમાં વિદ્યાર્થીઓને ઉશ્કેરનાર અધ્યાપક સામે પગલાં લેવાશે: ચેરમેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીવીએમના ચેરમેન દ્વારા અધ્યાપકો-છાત્રોના હિ‌તની કાળજી લેવાની ખાતરી

આણંદ: વિદ્યાનગર સ્થિત અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ સ્ટડી એન્ડ રિસર્ચ ઇન બાયોટેક્નોલોજી એન્ડ એપ્લાઇડ સાયન્સ (અરિબાસ)માં બુધવારે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.જેના સંદર્ભે ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ડો.સી.એલ.પટેલે અરિબાસના નિયામક સામે નહિં પણ ફરજમાં બિનકાળજી દાખવી વિદ્યાર્થીઓની ઉશ્કેરણી કરીને હોબાળો મચાવનાર અધ્યાપક સામે પગલાં લેવાના હોવાનું જણાવ્યું હતું.

સીવીએમના ચેરમેન ડો.સી.એલ.પટેલે જણાવ્યું હતું કે 'અરિબાસના વિદ્યાર્થીઓની ઉશ્કેરણી કરીને હોબાળો મચાવવાના પ્રકરણમાં સંસ્થાને શિક્ષણ અને સંશોધનક્ષેત્રે નવી ઊંચાઇ પર લઇ જવાના અમારા સંકલ્પને સાકાર કરવા કૃતસંકલ્પ નિયામક અને વૈજ્ઞાનિક ડો.નિલંજન રોય સામે કોઇ પગલાં લેવાનાં થતાં નથી,પરંતુ શિક્ષણ અને સંશોધનની પોતાની જવાબદારીમાં બિનકાળજી દાખવનાર તેમજ વિદ્યાર્થીઓને ઉશ્કેરીને હોબાળો મચાવનાર અધ્યાપક સામે પગલાં લેવામાં આવશે.

અરિબાસના નિયામક સીવીએમની સૂચનાના અનુસંધાને તેમના અધ્યાપકો શિક્ષણ અને સંશોધનકાર્ય બાબતે અપેક્ષિત જવાબદારી નિભાવે તેવી તાકીદ કરવાનો અધિકાર ધરાવે છે. સંસ્થાના નિયામક ડો.રોય સામે એક અધ્યાપક વિદ્યાર્થીઓને ઉશ્કેરીને હોબાળો મચાવે તે ચલાવી લેવાય નહીં.વિદ્યાર્થીઓ સાથેની મંડળના પ્રતિનિધિઓની બેઠકમાં અધ્યાપક વિદ્યાર્થીઓને નિયામક સામે ઉશ્કેરી રહ્યા હોવાનું ફલિત થયું છે.’