વાસદથી સારસા ચોકડી સુધીના ડિસ્કો માર્ગથી પરેશાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાત્રિના સમયે માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માત થવાનો સતાવતો ભય

આણંદ જિલ્લાના વાસદ થી સારસા ચોકડી તરફ જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. ત્યારે આ ડિસ્કો માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ઘણી હાડમારીઓનો ભોગ બનવું પડે છે. સતત ર૪ કલાક સુધી ટ્રાફિકથી ધમધમતા વાસદથી સારસા ચોકડી સુધી દસ કિમીનો માર્ગ વરસાદને ધોવાણ થઇ ગયો હતો. જેના લીધે માર્ગ ઉપર ઠેર-ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે તેમજ માર્ગની સાઇડોમાં વ્યાપક પ્રમાણમાં ઘાસચારો વધી ગયો હોવાથી રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ બને છે.

આણંદ જિલ્લા પીડબલ્યુડી દ્વારા બે વર્ષ અગાઉ પહેલા લાખો રૂપિયાના ખર્ચે માર્ગનું મરામતની સાથે નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છતાં પણ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે વારંવાર બિસમાર હાલતમાં ફેરવાઇ જવા પામતો હોય છે. વાસદથી સારસા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર ડાકોર, ફાગવેલ, ગોધરા, ભાલેજ, ઉમરેઠ સહિ‌ત આજુબાજુ વિસ્તારના વાહનચાલકો અવરજવર કરતાં હોય છે. પરંતુ હાલમાં માર્ગ ડિસ્કો હાલતમાં ફેરવાઇ ગયો હોવાથી પદયાત્રિકો અને વાહનચાલકોને અન્ય માર્ગનો લાભ લેવાની ફરજ પડી રહેલ છે.

આણંદ જિલ્લા સ્ટેટ પીડબલ્યુડી દ્વારા વરસાદે વિરામ ફરમાવ્યો હોવા છતાં પણ માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેના લીધે વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેમજ માર્ગની સાઇડોમાં ઘટાડાર વૃક્ષોની ડાળખીઓ વધી ગઇ હોવાથી અહીંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. આ વિપરીત સમસ્યા સંદર્ભે વહેરાખાડી, ઓડ, રામનગર ગામના રહીશો દ્વારા આણંદ જિલ્લા સ્ટેટ પીડબલ્યુડીના સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પરિણામ શૂન્ય આવે છે. વિપરીત સમસ્યા સંદર્ભે તંત્ર દ્વારા નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં ન આવતાં રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોમાં રોષની લાગણી વ્યાપી છે.