પેટલાદમાં રેલવે રિઝર્વેશન સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક જ ટિકિટબારી પર જનરલ અને રિઝર્વેશન થતું હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી

આણંદ જિલ્લાના મધ્યમાં આવેલા પેટલાદ શહેરના રેલવે સ્ટેશન પર આપવામાં આવેલી રિઝર્વેશન સિસ્ટમ શોભાનાં ગાંઠિયા સમાન બની ગઈ છે. વહેલી સવારે તત્કાલ ક્વોટા અને ડેમુ ટ્રેન આવવા સમયે મુસાફરોની ભીડ હોય છે, બીજી તરફ એક જ ટિકિટ બારી પર બંને પ્રક્રિયા હાથ ધરાતાં ભારે અફડાંતફડી ઊભી થાય છે અને આખરે રિઝર્વેશન માટે આવેલાં મુસાફરોને ખાલી હાથે પાછા ફરવું પડે છે.

પેટલાદ શહેરના રેલવે સ્ટેશન પર ટિકિટ માટે એક જ બારી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા અહીં રિઝર્વેશનની પણ સગવડતા આપવામાં આવી છે. પરંતુ એક જ બારી પર જનરલ ટિકિટ અને રિઝર્વેશન ટિકિટનું વિતરણ કરાતું હોવાથી ભારે અરાજકતા સર્જા‍ય છે.

ખાસ કરીને વહેલી સવારે તત્કાલ ક્વોટા ખુલતાં સમયે જ આણંદ અને ખંભાત તરફ જતી બંને ડેમુ ટ્રેનનો સમય છે, જેને કારણે ડેમુના મુસાફરો ટિકિટ મેળવવા ઉતાવળ કરતાં હોવાના કારણે રિઝર્વેશન માટેના મુસાફરોને ખદેડી મુકવામાં આવે છે. આખરે ૧૦:૨૦ વાગ્યે ડેમુ છુટી ગયાં બાદ રિઝર્વેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ તે ગાળામાં તત્કાલ ક્વોટા ફુલ થઈ ગયાં હોય છે અને રિઝર્વેશનમાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ થઈ જતાં મુસાફરોને કલાકોની તપશ્ચર્યા બાદ પણ કશું હાથ લાગતું નથી. આ બાબતે કેટલાંક મુસાફરોએ રેલવે વિભાગને રજૂઆત કરી સવારના ભાગે રિઝર્વેશન અને જનરલ ટિકિટ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા માગ કરી છે.

સમસ્યાના હલ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ

પેટલાદ રેલવે સ્ટેશન પર રિઝર્વેશનની સુવિધા આપવામાં આવી છે, પરંતુ અલગ કાઉન્ટર આપવામાં આવ્યું નથી. તત્કાલ રિઝર્વેશનના ક્વોટા સમયે જ ડેમુ ટ્રેનનો સમય હોવાના કારણે તત્કાલનો લાભ મળતો નથી. આ બાબતે ફરિયાદો મળી છે અને ઇન્સ્પેક્શન સમયે ડિવિઝનલ કમર્સિ‌યલ મેનેજરને પણ રજૂઆત કરવામાં આવી છે.’

- આર.એસ. મકવાણા, સ્ટેશન સુપરિટેન્ડન્ટ, પેટલાદ.

ટ્રેનના સમયે રિઝર્વેશન બંધ કરી દેવાતા હાલાકી

પેટલાદ રેલવે સ્ટેશન પર કલાકો ઊભાં રહ્યા બાદ પણ રિઝર્વેશન મળશે કે કેમ, તે કહી શકાતું નથી. કારણ કે ડેમુ ટ્રેનનો સમય થતાં જ રિઝર્વેશન કામગીરી બંધ કરી જનરલ મુસાફરને પ્રાધ્યાન્ય આપવામાં આવે છે, જેને કારણે ફરી અડધો કલાક બગડે છે.’
- શાબીરભાઈ મલેક, પેટલાદ.