બાકરોલ પેટ્રોલ પંપ ગેરરીતિ સબબ સીલ કરાતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ ચાર માસ પહેલાં પાડેલાં દરોડામાં ગેરરીતિ બહાર આવતાં ૯૦ દિવસ માટે પરવાનો રદ્દ

આણંદ જિલ્લા પુરવઠા વિભાગે નવેમ્બર માસ દરમિયાન બાકરોલ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર દરોડો પાડયો હતો, આ દરોડામાં પેટ્રોલ પંપ પર દર પાંચ લીટર પેટ્રોલ પર ૧૯૦ ગ્રામની છેતરપીંડી થતું હોવાનું ઉજાગર થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે તાજેતરમાં જ આ પેટ્રોલ પંપનો પરવાનો ૯૦ દીવસ માટે મોકૂફ કરવાનો હૂકમ કર્યો છે. આણંદ જિલ્લા પુરવઠા વિભાગે ૨૬ નવેમ્બરના રોજ બાકરોલ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર દરોડો પાડયો હતો.

આ દરોડામાં પંપના માલીક સુનીતાબહેન ચંદ્રકાંતભાઈ પટેલ વિદેશ હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ચકાસણી દરમિયાન પાંચ લીટરે ૧૯૦ ગ્રામની છેતરપીંડી પણ જણાય હતી. આ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલના સ્ટોકમાં પણ ઘટ જણાતાં જિલ્લા પુરવઠા અધિકારીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ ગેરરીતિ મામલે આખરે જિલ્લા પુરવઠા વિભાગે પેટ્રોલનો પરવાનો ૯૦ દીવસ માટે મોકૂફ રાખવાનો આદેશ કર્યો હતો અને જે સંદર્ભે મામલતદારને સૂચના આપતે તેઓએ કાર્યવાહી હાથ ધરી પંપને સીલ કર્યો હતો.