તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્કરમાંથી ડિઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસઓજી પોલીસે ટેન્કર, ટ્રેક્ટર તેમજ ડિઝલ મળી ૨૪ લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમને ઝડપી લીધાં

બોરસદ તાલુકાના બોદાલ સીમમાં ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતાં ચાર ઇસમોને આણંદ સ્પેશ્યલ ઓપેરેશન ગૃપે ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.

સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પોલીસ ઇન્સ્પેકટર એન.વી.પટેલે જણાવ્યું હતું કે 'આણંદ જિલ્લામાં બનતા મિલ્તક વિરુધ્ધના ગુના બનતાં અટકાવવા જિલ્લામાં સઘન પેટ્રોલીંગ કરવા આણંદ જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીએ આપેલી સૂચના મુજબ મંગળવારે રાત્રે સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર ઝેડ.જી.મલેક અને સ્ટાફને સાથે રાખી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન બોરસદના બોદાલ સીમમાં ડિઝલ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની બાતમી મળતાં જ મોડી રાત્રે બોદાલ સીમમાં ઓચિંતો છાપો માર્યો હતો.

જેમાં એક ડિઝલ ભરેલ ટેન્કરમાંથી કેટલાક ઇસમો ટ્રેકટરની ટ્રોલીમાં મૂકેલા બેરલમાં ડિઝલ કાઢતાં હોવાનું જણાતાં તમામ ઇસમોને પકડી લેવામાં આવ્યાં હતાં. જેમાં ટેન્કરના ચાલક વડોદરાના દશરથ ગામના બચુભાઇ ઇશ્વરભાઇ પરમાર તેમજ કલીનર બોરસદનો રધુવીર બાબુભાઇ છાસટિયા તેમજ ટ્રેકટર ચાલક બોદાલના દિલીપભાઇ રમણભાઇ પટેલ અને તેનો સાથીદાર જશભાઇ શંકરભાઇ પરમાર હોવાનું જણાવ્યું હતું.

ટ્રેકટરમાં મૂકવામાં આવેલા ત્રણ બેરલમાં તપાસ કરતાં કુલ ૬૦૦ લીટર ડિઝલ આ ઇસમોને ટેન્કરમાંથી ર્ચોયુ હોવાનું જણાયું હતું. ચારેય ઇસમની અટકાયત કરી ટેન્કર, ટ્રેકટર, તેમજ બેરલમાં ભરેલ ડિઝલ મળી કુલ ૨૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ અંગે વધુ તપાસ બોરસદ પોલીસ કરી રહી છે.’