• Gujarati News
  • More Than 45 Cases Of Diarrhea And Vomiting Out By Hospital

આણંદમાં રોગચાળાનો વાવર: 45થી વધુ ઝાડા–ઊલટીનાં કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદમાં રોગચાળાનો વાવર : 45થી વધુ ઝાડા – ઊલટીનાં કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયાં
પેટલાદ, આણંદ: પેટલાદ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલાં ઝાડા-ઊલટીના રોગચાળાના વાવરે મંગળવારના રોજ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શહેરની સિવિલ હોસ્પિટલમાં સાંજ સુધીમાં 45થી વધુ દરદીઓને દાખલ કરવામાં આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પેટલાદ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી રોગચાળાનો વાવર દેખાયો હતો. આરોગ્ય વિભાગે આ રોગચાળાને કાબૂમાં લેવા લીકેજ શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નહતી. દરમિયાનમાં મંગળવારના રોજ સ્થિતિ કાબૂ બહાર જાય તેવું વાતાવરણ સર્જાયું હતું.
સિવિલ હોસ્પિટલમાં સાંજ સુધીમાં 45થી વધુ ઝાડા–ઊલટીના કેસ નોંધાતાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.બી. પટેલે જણાવ્યું હતું કે ‘પેટલાદના વોર્ડ નં.1ના વિસ્તારમાં રોગચાળાનો વાવર દેખાયો છે. જોકે, શહેરમાં અન્ય સ્થળે પણ છૂટા છવાયાં કેસ જોવા મળ્યાં છે. પ્રાથમિક તપાસમાં પીવાના પાણીને કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનું જણાઈ રહ્યું છે. આથી, પાઇપ લાઇનનું પાણી બંધ કરાવી ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવા જણાવવામાં આવ્યું છે. જ્યારે નગરપાલિકાને પણ નોટિસ આપવામાં આવી છે.’
100 ઉપરાંત દરદીઓ હોવાનો અંદાજ
પેટલાદ શહેરના વોર્ડ નં.1, 4 અને 5માં ઝાડા – ઊલટીના વધારે કેસ જોવા મળ્યાં છે. પેટલાદ સિવિલમાં 50 જેટલાં દરદીઓને મંગળવારની મોડી સાંજ સુધી સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 50 જેટલાં દર્દી હોવાનું જાણવા મળ્યું છે. આમ શહેરમાં 100 ઉપરાંત દર્દી ઝાડા – ઊલ્ટીની ઝપટમાં આવી ગયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.