ખંભાતની દુકાનમાંથી થયેલી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબી પોલીસે ૩૪ હજારના મુદ્દામાલ સાથે ખંભાતના ત્રણ રિઢા ચોરની અટકાયત કરી
ખંભાત શહેરમાં આવેલી એક મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ સહિ‌તની ચીજવસ્તુઓ મળી કુલ ૩૪ હજારની મત્તા ચોરનાર ત્રણ રિઢાચોરને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શનિવારે બપોરે આણંદમાંથી ઝડપી લઇ મુદ્દામાલ કબજે લીધો હતો.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ભાટિયાએ જણાવ્યૂં હતું કે ' ગત ૧૮મી મેની રાત્રે ખંભાત શહેરમાં રહેતા રમેશભાઇ પરશુરામ આચાર્યની તેજસ કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઇલની દુકાનનું શટર ઉંચુ કરી કોઇ તસ્કરો દૂકાનમાંથી જુદી જુદી કંપનીના મોબાઇલ મળી કુલ ૩૩૩૬પ રૂપિયાની મત્તા ચોરી ગયાં હતાં. ચોરનો આ ગુનો ઉકેલવા આણંદ જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીએ સૂચના કરી માર્ગદર્શન આપ્યું હતું. આ આધારે બાતમીદારને કામે લગાડતાં ખંભાત વિસ્તારમાં રહેતા ત્રણ ઇસમો ચોરીના મોબાઇલ વેચવા આણંદ આવનાર હોવાની માહિ‌તી મળી હતી.
આ માહિ‌તી આધારે શનિવારે બપોરના ત્રણેક વાગ્યે એલસીબીની ટીમ સાથે રાખી આણંદમાં જૂના બસ મથક પાસે આવેલ યાદાદા કોમ્પ્લેક્ષ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સાડા ત્રણ વાગ્યે એક કાળા થેલા સાથે ત્રણ ઇસમો ત્યાં આવતાં વર્ણન આધારે તેઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં.
ખંભાતમાં માછીપુરામાં રહેતા રાકેશભાઇ જીવણભાઇ માછી, નવરત્ન સીનેમા પાસે રહેતા સોહિ‌લશા ઊર્ફે ભૈયો આબિદશા દિવાન અને મહેશ્વરી સોસાયટીમાં રહેતા રાકેશભાઇ બકુલભાઇ પંચાલ પાસેના થેલાની તપાસ કરતાં જુદી જુદી કંપનીના મોબાઇલ મળી આવ્યાં હતાં. આ અંગે તેઓ કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતાં પોલીસે મોબાઇલ કબજે લઇ ત્રણેયની અટકાયત કરી આણંદ એલસીબી કચેરીમાં લઇ આવવામાં આવ્યાં હતાં. તેઓની આકરી પુછપરછ કરતાં ખંભાત તેજસ કોમ્પ્લેક્ષમાં મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ ર્ચોયા હોવાની કબૂલાત કરી હતી. આ તમામની ચોરીના ગુનામાં અટકાયત કરવાની સાથે રિમાન્ડ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે.’
તમામ મુદ્દામાલ કબજે લેવાયો
એલસીબી પોલીસના જણાવ્યાં મુજબ, ખંભાતના ત્રણ રિઢા ચોર પાસેના થેલામાં તપાસ કરાતાં અંદરથી ૧૧ મોબાઇલ ફોન, ત્રણ ચાર્જર, ત્રણ ઇસયર ફોન તેમજ એક આઇડિયા કંપનીનું ડોન્ગલ મળી કુલ ૩૪૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.