આંકલાવમાં ઈંટોના ભઠ્ઠા પર પાણીના હોજમાં કિશોરી ડૂબી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સેફ્ટિ વિના ગેરકાયદેસર ચાલતાં ઈંટોના ભઠ્ઠાથી રોષ
-ઇંટોના ભઠ્ઠા ઉપર પાણીના હોજમાં પડી જતાં એક કિશોરીનું મોત નિપજ્યું હતું

આંકલાવ ખાતે આવેલા ઇંટોના ભઠ્ઠા ઉપર પાણીના હોજમાં પડી જતાં એક કિશોરીનું મોત નિપજ્યું હતું. આંકલાવ તેમજ બોરસદ વિસ્તારમાં અસંખ્ય ઈંટોના ભઠ્ઠા ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યાં છે. અવાર નવાર આ ઈંટોના ભઠ્ઠા ઉપર અકસ્માતો સર્જા‍ય છે છતાં તંત્રના લાંચિયા અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં હોઇ પ્રજામાં રોષ વ્યાપ્યો છે.

પોલીસના જણાવ્યાં મુજબ આંકલાવ ખાતે ઉમરભાઇનો ઈંટોનો ભઠ્ઠો આવેલ છે. આ ભઠ્ઠા ઉપર કેટલાક મજુરો કામ કરતાં હોય છે. દરમિયાન ગુરુવારે બપોરના સમયે ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતાં વિરપાલ જાદવની બાર વર્ષની દીકરી સુમન ભઠ્ઠા ઉપર રમતી હતી. રમતાં રમતાં સુમન ભઠ્ઠાના પાણીના હોજ પાસે ચાલી ગઇ હતી. જ્યાં ખુલ્લા હોજમાં તે પડી ગઇ હતી. પાણીમાં પડતાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. હોજ ઉપર કોઇ ઝાળી કે કોઇ સુરક્ષા વ્યવસ્થા ન હોઇ આ બાળકી તેમાં પડી ગઇ હતી. તેના વાલી અને અન્ય મજુરોને જાણ થાય તે પહેલાં જ બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે જાણ કરાતાં બાળકીનો કબજો લઇ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.