વરરાજા મંડપથી સીધો સળિયા પાછળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેટના માધ્યમથી થયેલી ઓળખાણ પ્રેમમાં પરિણમી હતી

ઇન્ટરનેટના માધ્યમથી થયેલી ઓળખાણ પ્રેમમાં પરિણમ્યા બાદ દહેજની માગણી કરનાર ભાવિ પતિ કમ પ્રેમીને વિદ્યાનગરની એક યુવતીએ લીલા તોરણે પરત મોકલવાને બદલે જેલની હવા ખવડાવી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું છે.

વિદ્યાનગરમાં મહાદેવ મંદિર પાસે રહેતી નીશાબહેન સોનવાણી નામની યુવતી દિલ્હીમાં ભણી અને બેંગ્લોર ખાતે નોકરી કર્યા બાદ વિદ્યાનગરમાં પિતા સાથે રહેતી હતી. નીશાને ઇન્ટરનેટના માધ્યમથી પૂનાના પીપળી ગામમાં રહેતાં રાહુલ ભોજરાજ કેસવાણીનો પરિચય થયો હતો. થોડા સમય પહેલાં બંને રૂબરૂમાં મળ્યાં હતાં. એકબીજાને મળ્યાં બાદ લગ્નનાં બંધને બંધાવાનું નક્કી કર્યુ હતું. નીશા અને રાહુલ બંનેએ પોતાના મા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રજુ કરતાં બંનેનો પરિવાર એકબીજાને મળ્યો અને પ ફેબ્રુઆરીના રોજ આણંદના એક પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું.

જોકે, સગાઇ કરતી વખતે યુવકે નીશાના મા-બાપ પાસે દસ તોલા સોનું અને અન્ય ચીજવસ્તુની માગણી કરી હતી. તે વખતે દીકરીની ખુશીને લઇને મા-બાપે સોનું અને ચીજવસ્તુઓની માગણી સ્વીકારી લીધી હતી. બીજી બાજુ ૪ ફેબ્રુઆરીએ રાહુલ પૂનાથી જાન લઇને આણંદ આવી ગયો હતો. આણંદમાં આવ્યાં બાદ મોબાઇલ પર તેમજ નીશાને આણંદની નીલકંઠ સોસાયટીએ અપાયેલાં ઉતારે બોલાવી રાહુલે દસ તોલાને બદલે હવે વીસ તોલા સોનું અને એક લક્ઝરિયસ કારની માગણી કરી હતી. આ વસ્તુ મળે તો લગ્ન કરીશ, તેવી ચીમકી આપી હતી. ધૂઆપૂંઆ થયેલી નીશાએ માતા-પિતાને આ બાબતની જાણ કરી હતી.

લગ્ન પહેલાં જ ભાવિ ભરથાર આવી વસ્તુની લાલચ રાખે તો લગ્ન પછી કેવી સ્થિતિ થશે, એવો ભવિષ્યનો વિચાર કરી નીશા સીધી આણંદ મહિ‌લા પોલીસ મથકે દોડી આવી હતી. મહિ‌લા પોલીસ મથકના પીએસઆઇ બારિયાને હકીકતની જાણ કરી ફરિયાદ લખાવતાં પીપળીના રાહુલ કેશવાણી સામે દહેજ બાબતનો ગુનો નોંધાયો. ફરિયાદ નોંધાતાની સાથે પોલીસે વરરાજાના ઉતારે પહોંચી લીલાતોરણે વરરાજા રાહુલને ઉંચકી જેલના હવાલે કરી દીધો હતો.

સમાજ માટે ઉદાહરણનીય દૃષ્ટાંત

વિદ્યાનગરની યુવતીએ આબરું અને સમાજની પરવા કર્યા વગર જ દહેજ માગનાર યુવકને સીધો જેલ ભેગો કરાવી દઇ સમાજમાં એક ઉદાહરણીય દૃષ્ટાંત પૂરું પાડયું હોવાનું લગ્નમાં આવેલા સંબંધીઓમાં ચર્ચાતું જોવા મળ્યું હતું.