આખરે મહેસૂલની ફાઇલ પરથી ધૂળ ખંખેરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તા.પંચાયત હવે અપીલ કરવા કાયદા વિભાગ પાસે માર્ગદર્શન માગશે

ખંભાત તાલુકા પંચાયત દ્વારા વસૂલાતના આંકડામાં ઓએનજીસી પાસેથી બાકી રહેતી રકમ રૂ.૪.૭૨ કરોડ બાદ કરી દેવાના પ્રકરણમાં ઉચ્ચકક્ષાએથી કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લાકક્ષાની સૂચના બાદ ખંભાત તાલુકા પંચાયત હવે ૮ વર્ષ બાદ ઓનએનજીસીની મહેસૂલી બાબતે ફરી દાવો દાખલ કરવા માટે પંચાયત વિભાગ પાસે માર્ગદર્શન આપવા ફાઇલ પરથી ધૂળ ખંખેરી રહી છે.

સૂત્રોના જણાવ્યાંનુસાર, ખંભાત તાલુકા પંચાયત દ્વારા વસૂલાતના આંકડામાં ઓએનજીસી પાસેથી બાકી રહેતી રકમ રૂ.૪,૭૨,૯૨,પ૭૬ બાદ કરી દેવામાં આવતાં તાલુકાના વિકાસને ભારે અસર પહોંચી છે. આ મામલે વર્ષો પહેલાં ખંભાત તાલુકા પંચાયત અને ઓએનજીસી હાઇકોર્ટમાં આમને સામને આવ્યાં હતાં, જેમાં હાઇકોર્ટે ઓનએનજીસીના તરફેણમાં ચુકાદો સને ૨૦૦પમાં આપ્યો હતો, જેને કારણે આ મહેસૂલ વસૂલાત પડતી મુકવામાં આવી હતી. જોકે, આ ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાના બદલે તાલુકા પંચાયતના અધિકારીઓએ ફાઇલ અભેરાઈએ ચડાવી દીધી હતી.

ઓએનજીસી પાસે બાકી નાણાં મામલે ફરી ભારે હોબાળો થતાં ખંભાત તાલુકા પંચાયતમાં સળવળાટ થયો છે અને અધિકારીઓએ રાતોરાત આઠ વર્ષ જૂની ફાઇલ પરથી ધૂળ ખંખેરી અપીલ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આટલાં વર્ષો બાદ કોર્ટના ચૂકાદાને પડકારવા માટે હવે ખંભાત તાલુકા પંચાયત ઉચ્ચકક્ષાએ સલાહ માગવા ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચકક્ષાની સૂચના બાદ આ કેસમાં હવે ખંભાત તાલુકા પંચાયત ફરી મહેસૂલ વસૂલવા ચક્રોગતિમાન કરશે.

અપીલ માટે તૈયારી શરૂ કરાઈ
ખંભાત તાલુકા પંચાયતે ઓનએનજીસી પાસેથી મહેસૂલ વસૂલાત માટે હાઇકોર્ટના ચુકાદા બાદ કોઈ અપીલ કરી ન હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સંદર્ભે હવે અપીલ કરવા માટે પંચાયત વિભાગ પાસેથી સલાહ લેવામાં આવશે. આ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.’ - શીતલ ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આણંદ.