ચરોતરમાં વિજયી સરઘસ દરમિયાન પથ્થરમારો, તોડફોડ અને આગચંપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચાયતની ચૂંટણીમાં મતગણતરી બાદ ઉમેટા, દેવાતળપદ, કિંખલોડ, કાંધરોટી, અમિયાદમાં વિજયી સરઘસ દરમિયાન પથ્થરમારો, તોડફોડ અને આગચંપીના બનાવ બન્યાં

આણંદ જિલ્લામાં બોરસદ અને આંકલાવ તાલુકાની ગ્રામ પંચાયોતની ચૂંટણીના પરણિામ બાદ આંકલાવના ઉમેટા સહિ‌ત બોરસદના કિંખલોડ, કાંધરોટી, અમિયાદ ગામમાં મારામારી, પથ્થરમારો અને આગચંપીના બનાવ બન્યાં હતાં. જોકે, પોલીસનો બંદોબસ્ત હોવાથી તાત્કાલિક સ્થિતિ સંભાળી લઇ થાળે પાડી દીધી હતી.

જિલ્લા પોલીસના જણાવ્યાં મુજબ, આંકલાવ તાલુકાના ઉમેટા ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોડ નંબર -૮ના ઉમેદવાર ફારૂકભાઇ અલ્લારખ્ખા વોરાએ રોહિ‌તવાસમાં જઇ પોતાને વોટ આપવા જણાવ્યું હતું. જોકે, આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફારૂકભાઇ હારી ગયાં હતાં. મતગતરીમાં તેઓને રોહિ‌તવાસમાંથી વોટ મળ્યાં નહોતાં. રોહિ‌તવાસના લોકોએ ફારૂકભાઇના હરીફ ઉમેદવાર વિરભદ્રસિંહને વોટ આપ્યાં હોવાનું જણાતાં જ ફારૂકભાઇ વોરા ઉશ્કેરાયાં હતાં. મતગણતરી બાદ ગામમાં જઇ તેઓએ દસેક જેટલા મળતિયા સાથે રોહિ‌તવાસમાં હુમલો કર્યો હતો.

પથ્થરમારો કરી તોડફોડ કર્યા બાદ એક છકડાંને આગ ચાંપી દીધી હતી. ટોળું વધારે નુકશાન કરે તે પહેલાં જ કોઇએ આંકલાવ પોલીસ મથકે જાણ કરી દેતાં પોલીસ તાત્કાલિક ગામમાં જઇ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ અંગે ઉમેટા ગામના રમેશભાઇ શનાભાઇ હરીજનની ફરિયાદ આધારે આંકલાવ પોલીસે ફારૂકભાઇ વોરા તેમજ બીજા દસ જેટલા ઇસમ સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત સોજિત્રા તાલુકાના દેવાતળપદ ગામે ભાસ્કરભાઇ વાઘજીભાઇ ગોહેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી બનતાં તેઓએ વિજયી સરઘસ કાઢયું હતું. કેટલાક ઇસમોએ હારેલાં ઉમેદવારના ઘર આગળ બાંધેલાં મંડપમાં તોડફોડ કરી ખુરશીઓને નુકશાન પહોંચાડયું હતું. આ ઉપરાંત આ તોફાની તત્વોએ અપશબ્દો બોલી હારેલાં ઉમેદવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આત્મારામ ઉમેદભાઇ ગોહેલની ફરિયાદ આધારે સોજિત્રા પીએસઆઇ કે.એચ.બારિયાએ ભાસ્કરભાઇ ગોહેલ સહિ‌ત ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

બોરસદ મુખ્ય તાલુકા મથકે મંગળવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં તમામ પરિણામ જાહેર થઇ ગયાં હતાં. પરિણામ જાહેર થતાંની સાથે જ વિજયી સરઘસ નીકળ્યાં હતાં. બોરસદના કિંખલોડ ગામે સભ્યની ચૂંટણી હારી ગયેલાં ઉમેદવારનાં ટેકેદારોએ વિજેતા સભ્ય અને સરપંચના ઘર ઉપર હુમલો કર્યો હતો. આ હુમલાને લઇને વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ હારેલાં ઉમેદવારના ઘર ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

કિંખલોડ ગામમાં લાલપુરિયાભાગ અને સરદારચોકમાં રહેતા કાન્તિભાઇ ત્રીકમભાઇ પટેલ, ઘનેશભાઇ મગનભાઇ પટેલ, પ્રકાશભાઇ સોમેશ્વર જાની, ધુળાભાઇ ઉમેદભાઇ પટેલ, રમેશભાઇ મંગળભાઇ પટેલ અને ચીમનભાઇ મંગળભાઇ પટેલના ઘર ઉપર પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત ઘરના ફર્નિ‌ચરની તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારાના બનાવને લઇને પોલીસના ધાડેધાડા ઊતારી દેવામાં આવતાં મામલો થોડીવારમાં કાબૂમાં થઇ ગયો હતો.

આ ઉપરાંત અમિયાદ ગામમાં વિજેતા ઉમેદવારનું વિજયી સરઘસ પુરબિયાપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું હતું તે વખતે કેટલાક ઇસમોએ તેની ઉપર પથ્થરમારો કર્યો હતો. રમણભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ ચૌહાણ, બાબુભાઇ ચૌહાણ અને મંજુલાબહેન ચૌહાણને ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.

જ્યારે કાંધરોટીમાં ગામની ભાગોળે વિજેતા ઉમેદવારના વિજયી સરઘસ ઉપર અચાનક જ પથ્થરમારો શરૂ થતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં પણ હિ‌તેશભાઇ મહીજીભાઇ ઠાકોર, કનુભાઇ સુરસિંહ ઠાકોર, મનુભાઇ સોમાભાઇ ઠાકોર અને વિષ્ણુભાઇ રમણભાઇ ઠાકોરને ઇજા થઇ હતી. કિંખલોડ, અમિયાદ અને કાંધરોટીમાં નાના મોટા છમકલાં થતાંની સાથે જ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, મોડી સાંજ સુધી એકપણ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી.

૧૪ ગ્રામ પંચાયતમાં વિજેતાઓએ ઉડાડયો ગુલાલ

ખેડા જિલ્લાની ૧૪ ગ્રામ પંચાયતોની મત ગણતરી જે તે તાલુકા મથકે હાથ ધરાઇ હતી. પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારો સર્મથકોએ અબીલ ગુલાલ ઉડાડી વિજયોત્સવ ઉજવ્યો હતો. ઈવીએમ મશીન હોવાના કારણે પરિણામ ઝડપભેર જાહેર થઇ ગયા હતા. પરિણામ જાણવાની ઈંતેઝારીમાં ઉમેદવારોના સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. આ ૧૪ ગ્રામ પંચાયતોમાં વિજયી થયેલા સરપંચોની યાદી જોવામાં આવે તો નડિયાદ તાલુકા નવાગામ પેટલીમાં મહીડા વાઘજીભાઇ ખોડાભાઇ, થલેડીમાં પટેલ અમિતભાઇ રામાભાઇ, કલોલીમાં હરીજન ભાનુબેન કાંતિભાઇ, માતર તાલુકાની આંત્રોલીમાં રાઠોડ કોકિલાબેન વિનુભાઇ, વિરપુર તાલુકાની ભારોડીમાં વણકર વિનોદભાઇ લાલાભાઇ, ખાંટામાં ઠાકોર શારદાબેન, ઘાટડાંમાં તલાર ચંપાબેન, બાલાસિનોર તાલુકાની પરબીયાંમાં પટેલ નવીનભાઇ હીરાભાઇ, ગઢના મુવાડામાં સોલંકી ભુપતસિંહ પ્રભાતસિંહ, ડોડીયાં પરમાર મોહનભાઇ ચતુરભાઇ, વસાદરામાં રાઠોડ કિશોરસિંહ રતનસિંહ, કોતરબોરમાં માંછી કોકિલાબેન કમલેશભાઇ, વડદલામાં પરમાર ઝાલમસિંહ બચુભાઇ અને ઠાસરા તાલુકાની અંઘાડી ગ્રામ પંચાયતમાં શેખ ફરીદાબીબી મહેબુબમીયાંનો સમાવેશ થાય છે.