• Gujarati News
  • Diwali Is Also A Government Hospital Doctors Will Be Present

દિવાળીની રજામાં પણ સરકારી દવાખાનામાં ડોક્ટર્સ હાજર રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દિવાળીની રજામાં પણ સરકારી દવાખાનામાં ડોક્ટર્સ હાજર રહેશે
- પરિપત્ર | પીએસી - સીએચસી પર ડોક્ટર્સની હાજરી ફરજીયાત
- દિવાળીના તહેવારમાં આકસ્મિક આગ અને દાઝવાના પ્રસંગોમાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે કરેલો પરિપત્ર

આણંદ : આણંદમાં દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે, આ સમયે આગ – અકસ્માત જેવા બનાવોને પહોંચી વળવા તંત્રને સાબદા રહેવા વિવિધ વિભાગો દ્વારા આદેશો કરવામાં આવ્યાં છે. જેમાં જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં ડોક્ટર્સ અને તેમની ટીમને હાજર રહેવા રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારની મોજ મજા માણતાં કેટલીક વખત આગ – અકસ્માતના બનાવો બનતાં હોય છે. આવા સમયે ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અહીં તહીં ભટકવું પડતું હોય છે.

કારણ કે દિવાળીના તહેવારની રજાના પગલે ડોક્ટર્સ જલદીથી મળતાં નથી હોતા. આવા સમયે કેટલીક વખત દરદીની હાલત કફોડી બની જતી હોય છે. આથી, સરકારી દવાખાનામાં દિવાળીના દિવસોમાં ડોક્ટર્સ સહિતની ટીમ સાબદી રાખવાનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.પેટલાદ સિવિલ હોસ્પિટલ સહિતના સામુહિક આરોગ્ય કેન્દ્ર તમામને ઉચ્ચકક્ષાએથી સૂચના આપવામાં આવી છે. જેમાં જણાવ્યાં મુજબ ‘દિવાળીના તહેવારો નજીકમાં હોઇ આકસ્મિક આગ તેમજ દાઝવાના પ્રસંગો બની શકે છે.

આથી, હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવનારા દર્દીઓને ઝડપથી ત્વરીત સારવાર મળી શકે તે માટે હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતાં તમામ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફની હાજરી રાખવી. દિવાળી દરમિયાન દરદીઓને કોઇ પણ જાતની તબીબી સારવારની મુશ્કેલી ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા તેમજ તમામ સ્ટાફ હેડક્વાટર્સ પર ફરજીયાત હાજર રાખવા.’આ પરિપત્રના પગલે કેટલાંક ડોક્ટર્સમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.

મોબાઇલ સ્વિચ ઓફ નહીં કરી શકાય
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં તમામ ડોક્ટર્સ અને સ્ટાફે દિવાળીના તહેવાર દરમિયાન પોતાના મોબાઇલ ચાલું રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત તમામ સ્ટાફ હેડક્વાર્ટરમાં પર ફરજિયાત હાજર રહે અને તેઓના મોબાઇલ ચાલું હાલતમાં રાખે તે અંગેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.