• Gujarati News
  • Caution, Some Cheat To People By Government's Agnecy's Name And Logo

સાવધાન: સરકારના બની બેઠેલાં જમાઈથી ચેતજો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી એજન્સીના ભળતાં નામ ધરાવતી એનજીઓ (બિનસરકારી સંસ્થા) બનાવી કેટલાંક તત્વો હવે પ્રજાને લૂંટવા માટે મેદાનમાં આવી ગયાં છે. વાહનની નંબર પ્લેટ ઉપર સરકારી એજન્સી જેવા નામ અને લોગો ચીતરાવી રોફ જમાવવાની સાથે નાનાં મોટા લોકોને છેતરવા માટેનું એક વ્યવસ્થિત ષડ્યંત્ર ચરોતરમાં ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.

ધર્મજ પાસેથી એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ના ડુપ્લિકેટ કાર્ડ ધરાવતાં છ ઇસમો બાદ આણંદમાંથી નકલી પોલીસ અને સીઆઇડીના સ્વાંગમાં ફરતાં બે ઇસમ કાર સાથે ઝડપાઇ જવાની ઘટનાએ ચરોતરમાં ઓથોરિટીના નામે પૈસા પડાવવાના ષડ્યંત્રનો પર્દાફાસ કર્યો છે. આ શ્રેણીબદ્ધ કિસ્સાઓને કારણે પોલીસની સાથે સાથે પ્રજાએ પણ આવા નકલી કાર્ડ ધરાવતાં શંકાસ્પદ ઇસમો સામે જાગૃત થવાની જરૂર છે. પ્રજા જાગૃત બને તો આવા ઇસમો પોતાની દુકાનો આપોઆપ બંધ કરી દેશે.

મોંઘીદાટ કારની નંબર પ્લેટ ઉપર એન્ટિ કરપ્શન બ્યુરો, સીઆઇડી, હૃુમનરાઇટ્સ જેવા ભળતાં નામ લખાવી તેમજ કારના કાચ અને બોનેટ ઉપર ભળતો લોગો લગાવી ફરતાં આ ઇસમો પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યાં છે. આણંદ જિલ્લામાંથી સરકારી એજન્સીના નામના નકલી કાર્ડ બનાવી ફરતાં નવ ઇસમો કોઇ મોટા કારનામા કરે એ પહેલાં જ પોલીસના હાથમાં આવી ગયાં છે. જિલ્લામાં આવા અસંખ્ય ઇસમો નકલી રાજ્યસેવક બની ફરી રહ્યાં હોવાની શક્યતાને આધારે તેઓને ઝડપી લેવા પોલીસે અભિયાન હાથ ધર્યુ છે.

નકલી અધિકારી ભટકાય તો ક્યાં જાણ કરશો?

આણંદ શહેર પોલીસ ઇન્સ્પેકટર પી.કે.દિયોરાએ જણાવ્યું હતું કે'હાલમાં કેટલાક ઇસમો પોતાની કાર ઉપર સરકારી એજન્સીના નામ લખાવી ફરતાં હોય છે. આવા લોકો કોઇની નજરે ચડે તો તરત જ નજીકના પોલીસ મથકે અથવા આણંદ પોલીસ કંટ્રોલ નંબર ૦૨૬૯૨-૨૬૧૦૩૩ ઉપર જાણ કરવી જોઇએ.’

નંબર પ્લેટ ઉપરનું લખાણ ગેરકાનૂની

પીઆઇ પી.કે.દિયોરાએ જણાવ્યું હતું કે 'આણંદમાં કેટલીક કાર ઉપર સરકારી એજન્સી જેવા જ નામ લખાવી ફરતાં ઇસમો ધ્યાનમાં આવ્યાં છે. આવા ઇસમો સામે પોલીસ કડક હાથે કામ લેશે. આ ઉપરાંત હૃુમનરાઇટ, એસીબી, સીઆઇડી જેવી સરકારી એજન્સી નામ, નંબર પ્લેટ ઉપર લખાવવું ગેરકાનૂની છે. આવા ઇસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.’
બોગસ પત્રકાર સામે પણ કાર્યવાહી

પોલીસના જણાવ્યાં મુજબ, આણંદ તેમજ જિલ્લામાં કેટલાક ઇસમો પોતાના વાહન ઉપર ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ લખાવીને ફરે છે. સરકાર માન્ય કાર્ડ સિવાય કોઇ વાહન ઉપર પ્રેસ લખાવી શકાય નહીં, આવા બોગસ બની બેઠેલાં પત્રકારો સામે પણ પોલીસે કાર્યવાહીની તૈયારી આદરી દીધી છે.

સસ્તામાં બોગસ કાર્ડ મળે છે

પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.દિયોરાએ વધુમાં કહ્યું હતું કે 'ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડેન, એસીબી તેમજ હૃુમનરાઇટ અને જર્નાલિસ્ટના કાર્ડનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી છે. હજાર-બારસો રૂપિયાની ફી લઇ કેટલાક તત્વો બોગસકાર્ડ બનાવી પધરાવી દેતાં હોવાનો પર્દાફાસ તાજેતરના કેસમાં થયો છે. આ ઇસમોથી પ્રજાએ ચેતવું જોઇએ અને આવા કોઇ બોગસકાર્ડ આપતાં હોય તેવું ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવી જોઇએ.’