ખંભાતના રાલજમાં રણનાં જહાજ ઊંટ ખેતીમાં ઉપકારક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ઉંટ વડે ખેતી કરી રહેલ ખેડુત જોઇ શકાય છે)
- ખંભાતના રાલજમાં રણનાં જહાજ ઊંટ ખેતીમાં ઉપકારક
- રાલજ - વાસણા સીમમાં બળદની જેમ ખેતીમાં ઊંટ ઉપયોગી બન્યાં
ખંભાત : રાલજ -વાસણા સીમ વિસ્તારમાં ખેડૂતોએ બળદ, ટ્રેક્ટરની જેમ સીમમાં ઊંટના ઉપયોગથી ખેતરમાં ખેડ - વાવણી અને સમાર જેવા કામમાં ઝડપી અને સાનુકૂળ ખેત વ્યવસ્થાપનનો લાભ મેળવી રહ્યાં છે. રણનું જહાજ ને શહેરી વિસ્તારમાં ભારવાહક તરીકે ઉપયોગી ઊંટ ખેતીક્ષેત્રના કામકાજ માટે ઉપકારક બન્યું છે. ખંભાત દરિયાકાંઠાના રાલજ તેમ જ વાસણા સીમમાં સ્થાનિક ખેડૂતોએ ખેતીકાર્યો માટે ઊંટને બળદ અને ટ્રેક્ટરની જેમ સાથી તરીકે અપનાવતાં ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો પણ નવાઇ પામી રહ્યાં છે.
ખંભાતમાં દરિયાઈ ભાઠા પાસેના સુપ્રસિધ્ધ શિકોતર માતાજીના મંદિર, રાલજ તરફ જતાં રાલજ અને વાસણા ગામની સીમના ખેતરાળ વિસ્તારમાં ઊંટનો ખેતીલક્ષી કાર્યોમાં ઉપયોગ કરવામાં આવીરહ્યો છે. ઊંટ દ્વારા ખેતી કરતા ખેડૂત મનહરભાઈએ જણાવ્યું હતું કે, ‘ઊંટમાં ઝડપ ને ત્વરિતતા હોય છે. બિયારણની વાવણી પછી ખેતરમાં સમાર(જમીન સમથળ) કરવા માટે મારી દ્રષ્ટિએ બળદ કે ટ્રેક્ટર કરતાં પણ સૌથી ઉપયોગી ઊંટ છે.’

ઊંટ દ્વારા ખેડ અને સમાર અંગે માહિતી આપતો ખેડૂત કેશવભાઇ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ‘ગાડાનાં માધ્યમથી ભારવહન કરતાં અને ખેતીકાર્યોમાં ઉપયોગી બળદો આપતી ૧૬થી ૨૦ ઓલાદો ભાલમાં છે, તેમાં કેટલીક ભારે કાઠીની ઊંચી અને કદાવર બળદોની ઓલાદો તથા મધ્યમ બાંધાની, સહેજ નીચી અને લંબાઈમાં ટૂંકી ઓલાદો પણ બળદમાં જોવા મળે છે. આ તમામ ખેડમાં ઉપયોગી છે, તેની સામે દેશી ઊંટ ખેતરમાં બમણા વેગથી સમાર અને વાવણીનું કામ કરી શકે છે.

બે બળદ દ્વારા બે વીઘાંનું ખેતર ત્રણ કલાકના સમયગાળામાં વાવણી થઈ શકે છે. જેની સામે ઊંટ દ્વારા માત્ર દોઢ કલાકમાં વાવણી અને બાકીના અડધા કલાકમાં સમાર પણ થઈ શકે છે.’
ઊંટ માલિકોનો નવતર અભિગમ
ઊંટ માલિકોનો નવતર અભિગમ રાલજ, વાસણા સીમમાં ઊંટ માલિક દ્વારા પોતાના ઊંટગાડી દ્વારા સેવાના બદલામાં નાણાં કમાવવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઊંટ માલિકો ઘાસ, ધરૂવાડિયા તેમ જ ધાન્ય ખેતઉપજ સહિતના જથ્થાનું વહન ભાડે કરે છે.

ઊંટ કહે ‘નો બ્રેક’
ઊંટ દ્વારા ખેતીકાર્યો કરવાથી સૌથી મોટો ફાયદો એ છે કે ઊંટની સાચવણી સહેલી અને સાનુકુળ છે. બળદ દ્વારા ખેડ-વાવણી કે સમારમાં બે વીઘાંમાં બેથી ત્રણ વાર બ્રેક અથૉત વિરામ લેવો પડે છે. જ્યારે સડસડાટ દોડતું ઊંટ વિરામ લીધા વિના જ વીઘાનું સમાર કે વાવણીનું કામ ઝડપભેર પૂર્ણ કરી દે છે.’
- નિખિલભાઈ પટેલ, ખેડૂત.

બિયારણ વિસ્તરવાની શક્યતા
ખેતરમાં ઊંટ દ્વારા જો સમાર મારવાનું કામ કરવામાં આવે તો વાવેલું બિયારણ વ્યર્થ જતું નથી. ખેતરમાં બે બળદ કે ટ્રેક્ટરના ઉપયોગથી સમાર કરવામાં આવે તેમાં વધારે પગલા કે દબાણ આવવાની સંભાવના વધુ છે, જ્યારે ઊંટ દ્વારા બિયારણ વિસ્તરવાની શક્યતા નહીંવત બની જાય છે.’
- અશોકભાઈ પટેલ, ખેડૂત.