દહેજમાં કાર માગતા વરરાજા લીલાતોરણેથી સળિયા પાછળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિક્ષિત યુવતીએ સમાજને દેખાડી દિશા
- ઇન્ટરનેટથી પ્રાંગરેલા પ્રેમની દાસ્તાન

ઇન્ટરનેટના માધ્યમથી થયેલી ઓળખાણ પ્રેમમાં પરિણમ્યા બાદ દહેજની માગણી કરનાર ભાવિ પતિને વિદ્યાનગરની એક યુવતીએ લીલા તોરણે પરત મોકલવાને બદલે જેલની હવા ખવડાવી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું છે.

વિદ્યાનગરમાં મહાદેવ મંદિર પાસે રહેતી નીશાબહેન સોનવાણી નામની યુવતી દિલ્હીમાં ભણી અને બેંગ્લોર ખાતે નોકરી કર્યા બાદ વિદ્યાનગરમાં પોતાના પિતા સાથે રહેતી હતી. નીશાને ઇન્ટરનેટના માધ્યમથી પૂનાના પીપળી ગામમાં રહેતાં રાહુલ ભોજરાજ કેસવાણીનો પરિચય થયો હતો. થોડા સમય પહેલાં બંને રૂબરૂમાં મળ્યાં હતાં.

એકબીજાને મળ્યાં બાદ લગ્નનાં બંધને બંધાવાનું નક્કી કર્યુ હતું. વડીલોની સંમતિ બાદ તા.પમી ફેબ્રુઆરીના રોજ આણંદના એક પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાનું નક્કી થઇ ગયું હતું. તા.૪થી ફેબ્રુઆરીને સોમવારે રાહુલ પૂનાથી જાન લઇને આણંદ આવી ગયો હતો. આણંદમાં આવ્યાં બાદ મોબાઇલ ફોન ઉપર તેમજ નીશાને આણંદની નીલકંઠ સોસાયટીએ અપાયેલાં ઉતારે બોલાવી રાહુલે દસ તોલાને બદલે હવે વીસ તોલા સોનું અને એક લક્ઝરિયસ કારની માગણી કરી હતી.

આ વસ્તુ મળે તો જ લગ્ન કરીશ, તેવી ચીમકી આપી હતી. ધૂઆપૂંઆ થયેલી નીશાએ માતા-પિતાને આ બાબતની જાણ કરી હતી. લગ્નની ખુશીમાં એકાએક જ વિઘ્ન ઊભું થતાં આ સમસ્યાને ઉકેલવામાં બધાંએ મન લગાવી દીધું, પરંતુ નીશાના મનમાં બીજો જ કોઇ વિચાર ચાલતો હતો. લગ્ન પહેલાં જ ભાવિ ભરથાર આવી રીતે વસ્તુની લાલચ રાખે તો લગ્ન પછી કેવી સ્થિતિ થશે, એવો ભવિષ્યનો વિચાર કરી નીશા સીધી જ આણંદ મહિ‌લા પોલીસ મથકે દોડી આવી હતી. મહિ‌લા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.કે.બારિયા સમક્ષ ફરિયાદ આપતાં પોલીસે રાહુલ સામે દહેજનો ગુનો નોંધી લીલાધોરણે જ સળીયા પાછળ ધકેલી દીધો હતો.

યુવતીનું જાહેરમાં સન્માન કરવું જોઈએ

દહેજ લાલચુઓને જેલમાં ધકેલનાર યુવતી ખરેખર ધન્યવાદને પાત્ર છે, આજેપણ સમાજ યુવતીઓને ચીજવસ્તુ માને છે અને લગ્નટાણે સોના-ચાંદી, રૂપિયામાં મૂલ્ય આંકવામાં આવે છે. ત્યારે લાલચુ લોકોને યુવતીઓએ સમાજની ટીકાઓને પરવા કર્યા વિના બોધપાઠ શીખવાડવો જ પડે. જો નીશા જેવી હિંમત અન્ય યુવતીઓ દાખવશે તો ભવિષ્યમાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરવાની જરૂર પડશે નહીં. -ડો. કેતકી શેઠ, સભ્ય, વુમેન સેલ, એસ.પી.યુનિવર્સિ‌ટી, વિદ્યાનગર

નીશાની હિંમતથી અન્ય યુવતીઓને પ્રેરણા મળશે

નીશાએ બહાદુરી દેખાડી છે તે સન્માનીય છે, તેની પાસેથી સમાજે પ્રેરણા લેવી જોઇએ અને આ ઘટના બાદ અન્ય યુવતીઓ પણ દહેજ લાલચુ લોકો સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા મળશે. લોભ લાલચને શિક્ષણ કે આધુનિકતા સાથે સંબંધ હોતો નથી. આજેપણ દહેજનું દૂષણ વ્યાપેલું છે. પરંતુ નીશાએ હિંમત દાખવીને સમાજમાં દાખલો બેસાડયો છે. -આશાબેન દલાલ, પ્રમુખ, જાગૃત મહિ‌લા સંગઠન