સામરખા ચોકડીએ આઇસરની ટક્કરે રિક્ષા ચાલકનું કરુણ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદની સામરખા ચોકડીએ ગુરૂવારે આઇસરની ટક્કર વાગતાં રિક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું.
આણંદ તાલુકાના રાવળાપુરા ગામમાં રહેતા ૩૪ વર્ષના અમરસિંહ ચંદુભાઇ રાઠોડ ગુરૂવારે સવારે રિક્ષા લઇને આણંદની હાઇવે ઉપર આવેલી મોટી શાકમાર્કેટમાં શાકભાજી લેવા આવ્યાં હતાં. શાકભાજી લીધાં બાદ તેઓ રિક્ષા લઇને સામરખા ચોકડીએ પેટ્રોલપંપ ઉપર રિક્ષામાં ગેસ ભરાવવા આવતાં હતાં. તે વખતે સ્વાગત હોટલ પાસે પુરપાટ ઝડપે જતા આઇસર ટેમ્પાના ચાલકે શાકભાજી ભરેલ રિક્ષાને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક અમરસિંહને ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ અંગે ગોપાલભાઇ રાઠોડની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ઉપરાંત આણંદના બેડવા સીમમાં ગુરૂવારે સવારે એક્સપ્રેસ વે ઉપરથી પસાર થઇ રહેલ ટ્રેલરની પાછળ આઇસર ટેમ્પો અથડાયો હતો. આ અકસ્માતમાં આઇસર ટેમ્પા નંબર જી.જે.૧.એ.ટી.૯૯૯૬ના ચાલક અમદાવાદના મુનીરખાન મુસ્તફાખાન પઠાણને ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોજળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામરખા ચોકડીએ આઇસર ટેમ્પાની ટક્કરે રાવળાપુરાના રિક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભયું મોત નિપજ્યું હતું.

તસવીર - પંકજ પટેલ