આણંદ-નડિયાદ: વિઘ્નહર્તાની વિદાયવેળાએ મેઘરાજા પધાર્યા, 4 ઈંચ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વરસતા વરસાદમાં ગણેશ વિસર્જન કરી રહેલા ભક્તો)
'ગણપતિ બાપા મોરિયા, પૂઢચ્યા વર્ષી લવકર યા... ’ના જયઘોષ સાથે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિ‌નું વિસર્જન

આણંદ શહેર સહિ‌ત જિલ્લામાં વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાનું સોમવારે સતત વરસતાં વરસાદમાં ઉત્સાહ અને ઉમંગભેર ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો 'ગણપતિ બાપા મોરિયા’ના નાદથી ગુંજી ઊઠયાં હતા. ડી.જે.માં ગણપતિ બાપ્પાના ગીતોની સાથે તાલ મિલાવીને લોકો ઝૂમી ઊઠયાં હતા.સોમવારે સતત વરસી રહેલા વરસાદમાં ભીંજાઇને લોકો ઉત્સાહ અને ઉમંગભેર વિસર્જનયાત્રામાં જોડાયા હતા. જિલ્લામાં વિઘ્નહર્તા દેવનું વિસર્જન વિના વિઘ્ને સંપન્ન થયું હતું. આણંદ શહેર સહિ‌ત બોરસદ, ખંભાત, પેટલાદ સહિ‌તના ગામે ગામ ગણપતિ દાદાને ભારે હૈયે વિદાયમાન કરવામાં આવ્યાં હતાં.

નડિયાદ શહેર ઉપરાંત ઠાસરા, માતર, ખેડા, ડાકોર વગેરે સ્થળે પણ દસ દિવસ સુધી આતિથ્ય માણનાર વિધ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ વાહનો સાથે ડીજે અને બેન્ડવાજા, ઢોલ-નગરાના તાલે ગણેશ ભક્તો ઝુમી ઉઠયાં હતાં. યુવતીઓ અને યુવાનોએ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. અબિલ ગુલાલની છોળો વચ્ચે ચરોતરના માર્ગો 'ગણપતિ બાપા મોરિયા’, 'અગલે બરસ તૂમ જલ્દી આના’ના નાદથી ગૂંજી ઉઠયાં હતાં. મોડી સાંજે ગામના તળાવ, નદી અને નહેરોમાં દાદાની મૂર્તિ‌ઓને વિસર્જિત કરાઇ હતી.

- અંતિમ રાઉન્ડમાં મેઘની ધમાધમ આણંદ-બોરસદમાં ૪ ઇંચ વરસાદ
- બોરસદ અને આણંદમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો : અવિરત વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા :
- આગામી ત્રણ દિવસ સતત વરસાદ ચાલુ રહેવાનો હવામાનનો વર્તારો

આણંદ : ચોમાસાના અંતિમ તબક્કામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્રણ દિવસના બ્રેક બાદ સોમવારે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. ચોવીસ કલાકમાં બોરસદમાં સાડા ચાર ઇંચ, આણંદમાં ચાર ઇંચ, પેટલાદ અને સોજિત્રામા સાડા ત્રણ ઇંચ, તારાપુરમાં ત્રણ ઇંચ, ઉમરેઠ અને આંકલાવમાં પોણા ત્રણ ઇંચ અને ખંભાતમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાં છવાયેલા કાળાડિંબાગ ઘનઘોર વચ્ચે અવિરત ચાલુ રહેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ જવા સાથે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જા‍ઇ હતી. આગામી ત્રણ દિવસ સતત મેઘમહેર જારી રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો હતો. ૮ વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યું હતું. પવન ફુંકાવા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. સવારથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી અવિરતપણ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદના પગલે સમગ્ર જનજીવન ઠપ થઇ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં હતાં.

- જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ

જિલ્લા ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ સોમવારે સાંજના ૪ વાગ્યે ૧૦૬ મિમી, ઉમરેઠમાં ૪૪ મિમી, બોરસદમાં ૧૧૪ મિમી, આંકલાવમાં ૪૪ મિમી, પેટલાદમાં ૮૯ મિમી, સોજિત્રામાં ૯૦ મિમી, ખંભાતમાં ૩૦ મિમી અને તારાપુરમાં ૭૦ મિમી વરસાદ નોંધાયો હતો.

આગળ વાંચો નડિયાદ શહેરમાં ૪ ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં