• Gujarati News
  • Anand Engineering Students Free Teach 200 Child Daily Evening At Charusat Campus Latest News

નવતર પહેલ :આ યંગિસ્તાનની મસ્તીની ‘પાઠશાળા’ દુનિયાથી જૂદી!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: સાંજના 5 વાગ્યાનો સમય હતો. ચાંગાની ચારૂસેટ યુનિવર્સિટીની કેમ્પસ લોનમાં નોટબુક અને પેન લઇને બાળકો ત્રણ કે ચારની સંખ્યામાં ટોળે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા. દરેક ટોળામાં એન્જિનિયરિંગના એક એક વિદ્યાર્થી બેસીને તેઓને ભણાવી રહ્યા હતા. ચારૂસેટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વર્ગખંડ વિનાની અનોખી પાઠશાળા શરૂ કરી છે. જનરલી, આખો દિવસ ભણ્યાં પછી ચાહે તો આ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ રિલેક્સ થવા માટે મ્યુઝિક મસ્તી કે અન્ય પ્રવૃતિ કરી શકે છે, પણ નહીં. તેઓએ આજુબાજુના ગામડાંના વિદ્યાર્થીઓને કોચિંગ આપી નવી પહેલ શરૂ કરૂ છે.
Paragraph Filter

- ચારૂસેટના વિદ્યાર્થીઓએ સાંજના મોજમસ્તી છોડીને બાળકોને ભણાવવાનો સેવાયજ્ઞ આરંભ્યો
- ગુજરાતના જુદાં જુદાં ખુણેથી આવેલા અને હોસ્ટેલમાં રહીને ચારૂસેટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં 50 વિદ્યાર્થીઓ રોજ 200 ઉપરાંત બાળકોને ભણાવવા સાથે જરૂરિયાતની વસ્તુઓ પોકેટમનીમાંથી લઇ આપીને શિક્ષણનો પાયો મજબૂત બનાવવા કરેલી નવતર પહેલ
આ યંગિસ્તાને ગામડાંમાં રહીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કે અભ્યાસ છોડી દેનારાં બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરવાનું અભિયાન ચલાવ્યું છે. ગુજરાતના જુદાં જુદાં ખૂણેથી આવેલાં અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં 50 વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ વર્ષથી રોજ સાંજના એકથી દોઢ કલાક કોઇપણ જાતની ફી લીધા વિના 200 ઉપરાંત બાળકોને ભણાવે છે. એટલું જ નહીં તેઓની પેન, પેન્સિલ, રબર કે નોટબુક જેવી જરૂરિયાતની વસ્તુઓ પણ પોતાના પોકેટમનીમાંથી લઇ આપે છે.
ચારૂસેટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ યજ્ઞની શરૂઆત કેવી રીતે થઇ તેનાં વિશે યશ પટેલે જણાવ્યું હતું કે ‘અમે હોસ્ટેલમાં રહેતાં હોવાથી કોલેજ બાદ સાંજના ફ્રી સમયમાં મોજમસ્તી કરતાં કે કયારેક ફરવા જઇએ અથવા મૂવી જોવા જતાં હતા. એકવાર અમે મિત્રોએ બેસીને વિચાર કર્યો કે સાંજના આમતેમ ફરીને સમય વેડફવાના બદલે કંઇક સારું કાર્ય કરવું જોઇએ. ગામડાંમાં પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના વાલીઓ આર્થિક રીતે સક્ષમ હોતાં નથી. બાળકોને ટ્યુશનમાં મોકલી શકતાં નથી, જેથી અમે નિર્માણ એનજીઓ હેઠળ સાંજના સમયે બાળકોને ટ્યુશન આપવાનું નક્કી કર્યું.
આ કાર્ય એટલું સરળ નોહતું છતાં મન મક્કમ હતુ.પહેલાં અમે વલેટવા ગામે ઘેર ઘેર ફરીને વાલીઓને તેમનાં બાળકોને સાંજના ભણવા માટે અમારી પાસે મોકલવા સમજાવ્યાં હતાં. જોકે, કેટલાંક વાલીઓ બાળકોને મોકલવા તૈયાર નોહતા. તેઓને બે-ત્રણ વખત સમજાવ્યાં બાદ ધીમે ધીમે બાળકોને મોકલવાનું શરૂ કર્યુ હતું. છેલ્લાં દોઢ વર્ષથી સાંજના સમયે વલેટવા મંદિર અને કોલેજના કેમ્પસમાં ભણાવીએ છીએ. હાલમાં આ કાર્યમાં એન્જિનિયરિંગના 50 ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયેલાં છે. ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ અને પ્રોવોસ્ટ ડો.બી.જી.પટેલે પણ આ પ્રવૃતિને બિરદાવીને યુનિ.તરફથી સહકાર આપવાની તૈયારી દર્શાવી છે.’
આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ,પોકેટમનીમાંથી વસ્તુઓ લઇ આપતાં ,શિક્ષણ પ્રત્યે સુરૂચિ કેળવવાનો પ્રયાસ ,શિક્ષણનો પાયો મજબૂત કરવાનું લક્ષ્ય ,અભ્યાસની સાથે થતી વિવિધ પ્રવૃતિઓના કારણે રુચિ વધી....