ઘરકંકાસથી કંટાળીને વાસદના આધેડે ગળેફાંસો ખાધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાસદ પોલીસ તાબેના દેવપુરા ગામે રહેતાં ૪૨ વર્ષિય આધેડે ગુરુવારની રાત્રે ઘરે ગળેફાંસો લઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાસદ પોલીસ તાબેના દેવપુરા ખાતે રહેતા શૈલેષભાઈ બચુભાઈ પઢીયાર (ઉ.વ.૪૨)એ ૯મી મેના રોજ પોતાના ઘરે છત પરના હુક સાથે દોરડાથી ગળેફાંસો લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયાં હતાં. બનાવ સંદર્ભે રાજુભાઈ પઢીયારે પોલીસ મથકે જાણ કરતાં પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એમ. લગારિયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસના અંતે તેઓએ જણાવ્યું હતું કે ‘શૈલેષભાઈને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોઈ નોકરી ધંધો કરતાં નહતાં. પરિવારમાં આર્થિક સંકડામણના કારણે કંકાસ રહેતો હતો. આથી, તેઓએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.’

પતિનાં ત્રાસથી પરણિતાની આત્મહત્યા
ઉમરેઠ રેલવે ફાટક પાસે છાપરાંમાં રહેતાં પુનમબહેન જીતેનભાઈ ભરગુડાનું શુક્રવાર વહેલી સવારે મોત નિપજ્યું હતું. આ અંગે તેમના ભાઈ મુકેશભાઈ ખારવા (રહે.સાબરકાંઠા)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘પુનમબેના પતિ જીતેનભાઈ અને દિયર મહેશભાઈ છેલ્લા બે વર્ષથી પૈસા અને દાગીના બાબતે ત્રાસ આપતાં હતાં, તેથી તેણે કંટાળી આત્મહત્યા કરી લીધી છે.’ આ ફરિયાદ આધારે પોલીસે જીતેન અને મહેશ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે. મોડીયાને સોંપવામાં આવી છે.